Gandhinagar: ગુજરાતના ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં ગુજરાત સરકાર દ્વારા આજથી 3-4 વર્ષ અગાઉ રૂ. 400 કરોડના ખર્ચે કરવામાં આવેલ 15 લાખ હેક્ટર જમીનની માપણીમાં અનેક ખામીઓ સામે આવી છે.
ખોટા નક્શા, નામોમાં ભૂલો તેમજ 7-12ના ઉતારામાં વિસંગતતાના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા અનેક ખેડૂતો દ્વારા રી-સર્વે માટે અરજી કરવામાં આવી છે. આ સમસ્યાના ઉકેલ માટે સમગ્ર રાજ્યમાંથી 3 લાખ અને એકલા અમદાવાદ જિલ્લામાંથી 5 હજારથી વધુ રી-સરવે માટેની અરજીઓ મળી છે. હવે 'ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ' દ્વારા નવેસરથી માપણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રી-સર્વેમાં કઈ ભૂલો સુધારવામાં આવશે
- જૂના અને નવા નકશા વચ્ચેના તફાવતો દૂર કરવામાં આવશે.
- જમીનનો જે વાસ્તવિક કબજો છે, તેને સરકારી રેકોર્ડ સાથે મેળવવામાં આવશે.
- સીમા (હદ) બાબતના વિવાદોનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે.
- જમીન માલિકીના હક્કો સ્પષ્ટ કરવા અને ડુપ્લિકેટ કે ઓવરલેપિંગ એન્ટ્રીઓ સુધારવામાં આવશે.
- ફિલ્ડ વેરિફિકેશન (સ્થળ તપાસ)ની પ્રક્રિયા વધુ કડક બનાવવી.
રી-સરવે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ:
સરકાર આ વખતે માપણીમાં કોઈ ભૂલ ન રહી જાય તે માટે અત્યાધુનિક પદ્ધતિઓ અપનાવશે
- ડ્રોન સર્વે: હાઈ-રિઝોલ્યુશન ઈમેજ દ્વારા જમીનની એક-એક ઈંચની ચોક્કસ માપણી.
- GIS મેપિંગ: ડિજિટલ નકશાને સીધા સરકારી રેકોર્ડ સાથે જોડવામાં આવશે.
- ટોટલ સ્ટેશન મશીન: જમીન પર સચોટ માપ લેવા માટે આધુનિક વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ.
- ઓનલાઈન અપડેશન: માપણી પૂર્ણ થતાની સાથે જ ડેટા સીધો 'ઈ-રેકોર્ડ' માં અપડેટ થશે.
- જીઓ-રેફરન્સ નકશા: જૂના નકશાઓને નવા ભૌગોલિક કોઓર્ડિનેટ્સ સાથે મેચ કરી સચોટતા ચકાસવામાં આવશે.
નવેસરથી માપણી કરવાથી કેવા ફાયદા થશે?
- ચોકસાઈ અને વિશ્વસનીયતા: જમીનના દસ્તાવેજો વધુ સચોટ બનશે, જેથી છેતરપિંડીની શક્યતા ઘટશે.
- વિવાદોમાં ઘટાડો: જમીન વેચાણ કે ખરીદી સમયે થતા ઝઘડાઓ અને કોર્ટ કેસોમાં મોટો ઘટાડો થશે.
- સરળ પ્રક્રિયા: બેંક લોન મેળવવામાં અને બિન-ખેતી (NA) ની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે.
