પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત મોદી-શાહની દેશને આપેલી સૌથી મોટી ભેટ, હવે ત્યાં ગુંડારાજ નહીં, રાષ્ટ્રવાદ ચાલશેઃ કૈલાશ વિજયવર્ગીય

મમતા બેનરજી રાજીનામું આપે કે ના આપે કોઈ ફરક નથી પડતો. મુદ્દત પૂરી થઈ જતાં રાજ્યપાલ પાસે બહુમતી ધરાવતી પાર્ટીના નેતાને શપથ લેવડાવી નવી સરકારની રચના કરવાની સત્તા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 06 May 2026 07:12 PM (IST)Updated: Wed, 06 May 2026 07:12 PM (IST)
vadodara-news-kailash-vijayvargiya-on-bjp-win-west-bengal-election-slam-mamata-banerjee
HIGHLIGHTS
  • દેશના સરહદી રાજ્યોમાં રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતી સરકાર હોવી અનિવાર્ય

Vadodara: ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી અને મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાસ વિજયવર્ગીયએ વડોદરા એરપોર્ટ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો અને રાજકીય સ્થિતિ પર મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. સુરતના કાર્યક્રમ બાદ પરત ફરતી વખતે તેમણે બંગાળમાં ભાજપના શાનદાર દેખાવને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની દેશને આપેલી સૌથી મોટી ભેટ ગણાવી હતી.

દેશભક્તોની ભૂમિ હવે દેશવિરોધીઓનું કેન્દ્ર નહીં રહે

વિજયવર્ગીયએ મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે, જે રાજ્યએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન દેશભક્તો આપ્યા, તે પ્રદેશ હાલમાં દેશ વિરોધી ગતિવિધિઓ કરનાર તત્વોનું આશ્રયસ્થાન બની ગયો હતો.

સીમાવર્તી રાજ્યોમાં રાષ્ટ્રવાદી વિચારધારાવાળી સરકાર હોવી અત્યંત અનિવાર્ય છે. હવે બંગાળમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો છે, જે દરેક દેશવાસી માટે ગર્વની બાબત છે. અત્યાર સુધી ત્યાં મહિલાઓ અસુરક્ષિત હતી અને ગુંડાઓનું શાસન હતું, પરંતુ હવે બંગાળની જનતા પોતાને સુરક્ષિત અનુભવશે.

મમતા રાજીનામું આપે કે ન આપે, પરિવર્તન નિશ્ચિત

મમતા બેનર્જીના રાજીનામા અંગેના વિવાદ પર કટાક્ષ કરતા મંત્રીએ જણાવ્યું કે, મમતા બેનર્જી ભલે કહેતા હોય કે તેઓ રાજીનામું નહીં આપે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. સરકારની મુદત પૂરી થતા વર્તમાન શાસન આપોઆપ બરતરફ થઈ જાય છે. રાજ્યપાલ પાસે સત્તા છે કે તેઓ બહુમતી ધરાવતી પાર્ટીના નેતાને શપથ લેવડાવી નવી સરકારની રચના કરે. આગામી સમયમાં બંગાળમાં ભાજપના મુખ્યમંત્રી જ શપથ ગ્રહણ કરશે.

હાર્યા એટલે EVM અને ચૂંટણી પંચનો વાંક કાઢવાની વિપક્ષની જૂની આદત

બંગાળની ચૂંટણી પ્રક્રિયા પર વાત કરતા તેમણે જણાવ્યું કે, છેલ્લા 40 વર્ષમાં પહેલીવાર રાજ્યમાં પારદર્શી અને નિષ્પક્ષ ચૂંટણી યોજાઈ છે. ગણતરીના દિવસો પહેલા જેઓ 200 બેઠકો જીતવાનો દાવો કરતા હતા, તેઓ હવે હાર ભાળી જતાં ચૂંટણી પંચ પર દોષારોપણ કરી રહ્યા છે.

તેમણે પ્રશ્ન કર્યો હતો કે, અન્ય રાજ્યોમાં જ્યારે કોંગ્રેસ કે વિપક્ષની જીત થાય છે ત્યારે તેઓ કેમ EVM કે ઇલેક્શન કમિશન સામે સવાલ નથી ઉઠાવતા? હાર પચાવવાની શક્તિ ન હોવાથી વિપક્ષ હંમેશા સંસ્થાઓને નિશાન બનાવે છે.