Vadodara: ગત સોમવારે શહેરના અંકોડિયા વિસ્તારમાંથી મળી આવેલી રિસેપ્સનિસ્ટ યુવતીની હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે. જેમાં પ્રેમાંધ બનેલા પ્રેમીએ શંકાના આધારે કોમ્પ્યુટર વાયર વડે પોતાની પ્રેમિકાની ગળું દબાવીને હત્યા કરી હોવાનું ખુલ્યું છે. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીના પ્રેમીને નેત્રંગથી ઝડપી પાડ્યો છે.
મહેંદી મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલી યુવતી ગુમ થઈ ગઈ હતી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મુજમહુડા ગામમાં રહેતી અને હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તેમજ સાઈડમાં બ્યૂટીપાર્લરનું કામ કરતી દિવ્યા પરમાર નામની યુવતી ગત રવિવારે પોતાના ઘરેથી 'હું મહેંદી મૂકવા જાઉ છું' કહીને નીકળ્યા બાદ લાપત્તા થઈ ગઈ હતી. બીજા દિવસે અંકોડિયા વિસ્તારની અવાવરું જગ્યામાંથી દિવ્યાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
ડી-માર્ટના CCTV ફૂટેજ ચકાસીને પોલીસ આરોપી સુધી પહોંચી
આ કેસની તપાસ કરી રહેલી પોલીસને લાશની નજીકથી ચાદર અને ડી-માર્ટનું લેબલ ધરાવતો ટુવાલ મળી આવ્યો હતો. જેના આધારે પોલીસે ડી-માર્ટના CCTV ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં રાહુલ વણકર નામનો યુવક આ વસ્તુઓ ખરીદતો કેદ થઈ ગયો હતો. જેથી પોલીસે ટેક્નીકલ સર્વેલન્સની મદદથી રાહુલને ભરૂચના નેત્રંગથી દબોચ્યો હતો.
દિવ્યા પોતાને છોડી દેશે, તેમ લાગતા રહેસી નાંખી
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી રોહન વણકર ગાય સર્કલ નજીકના એક કાફેમાં નોકરી કરે છે. જ્યારે મૃતક દિવ્યા કાફેની સામે આવેલી હોસ્પિટલમાં રિસેપ્સનિસ્ટ હતી. બન્ને વચ્ચે છેલ્લા છ મહિનાથી પ્રેમસબંધ હતો.
જો કે રોહનને શંકા હતી કે, દિવ્યા અન્ય કોઈ યુવક સાથે સંપર્કમાં છે અને પોતાને છોડી દેશે. આથી તેણે રવિવારે દિવ્યાને અંકોડિયા સ્થિત મિની વૉટરપાર્ક નજીક મળવા બોલાવી હતી. જ્યાં અવાવરું જગ્યાએ બન્ને વચ્ચે ઉગ્ર માથાકૂટ થતા આવેશમાં આવેલ રોહને કોમ્પ્યુટરના વાયરથી દિવ્યાનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ દિવ્યાની લાશને ચાદરમાં વીંટાળીને ત્યાં જ ફેંકીને ફરાર થઈ ગયો હતો.
હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને આજે તેને ઘટના સ્થળ લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતુ. પ્રેમમાં થયેલી આ ઘાતકી હત્યાએ સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાવી દીધી છે.
