Surat: વરાછા SBIમાં રૂ. 51 લાખની લૂંટના બે આરોપીઓને UPથી સુરત લવાયા, બિહારના કુખ્યાત કુંદન ભગતની સંડોવણી સામે આવી

લૂંટનો માસ્ટરમાઈન્ડ કુંદન ભગત પટનાની જેલમાંથી ગેંગનું સંચાલન કરતો હતો. જેના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 06 May 2026 05:43 PM (IST)Updated: Wed, 06 May 2026 05:44 PM (IST)
surat-news-varachha-bank-robbery-case-2-accused-brought-from-up-bihars-notorious-kundan-bhagat-involvement
HIGHLIGHTS
  • 7 PI અને 100થી વધુ પોલીસની ટીમની તપાસનો ધમધમાટ, 1 હજારથી વધુ CCTV ફૂટેજ તપાસ્યા
  • આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન અને રૂ.93 હજાર રોકડા જપ્ત કરવામાં આવ્યા

Surat: શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)માં ફિલ્મી સ્ટાઈલમાં થયેલી રૂ. 51 લાખની ચકચારી લૂંટ કેસનો ભેદ ઉકેલવામાં સુરત પોલીસને મહત્ત્વપૂર્ણ સફળતા મળી છે. આ મામલે પોલીસે ઉત્તર પ્રદેશમાંથી કુંદન ભગત ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

બંદૂકની અણીએ બેંકના કર્મચારીઓ અને ખાતાધારકોને બંધક બનાવી લૂંટ ચલાવી

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત તા. 27 એપ્રિલ 2026ના રોજ બપોરના સમયે એલએચ રોડ પર એફિલ ટાવર નજીક આવેલી SBI બેંકમાં પાંચથી વધુ શખ્સો ઘૂસ્યા હતા. તેમણે પિસ્તોલ જેવા હથિયારો બતાવી કર્મચારીઓ અને ગ્રાહકોને ધમકાવી બંધક બનાવ્યા હતા.

જે બાદ તેઓએ બેંકમાં રહેલા આશરે 12 લાખ રૂપિયા તેમજ ઘોડદોડ રોડની મુખ્ય શાખામાંથી મંગાવવામાં આવેલા 38 લાખ રૂપિયા સહિત કુલ 51 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

આ કેસ ઉકેલવા સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા 7 પીઆઈ અને 100થી વધુ પોલીસ કર્મચારીઓની ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે 1000થી વધુ CCTV કેમેરાની ફૂટેજ અને ટાવર ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. તપાસમાં આરોપીઓએ સ્પ્લેન્ડર, પલ્સર અને અપાચી બાઈકનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.

આ વાહનોની તપાસમાં ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું હતું. ત્રણેય બાઈક ઓલપાડ વિસ્તારમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી, જેમાંથી એક બાઈક ખટોદરા વિસ્તારમાંથી ચોરી કરાયેલ હતી.

પ્રાથમિક તપાસમાં બિહારમાં રહેતો કુંદન ઉર્ફે ભગત ગેંગ માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું હતું. પોલીસને મળેલા મોબાઇલ ડેટા આધારે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં રહેતા શુભમ કુમાર અને અજીત ઠાકુરની સંડોવણી બહાર આવી હતી.

પોલીસે સતત ત્રણ દિવસ સુધી તપાસ ચલાવી અયોધ્યાથી શુભમ ઠાકુરને ઝડપી પાડ્યો હતો. તેમજ વિકાસસિંહ રાજપૂતને પણ ગૌડા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. વિકાસસિંહે આરોપીઓને આશ્રય આપ્યો હતો અને લૂંટના પૈસામાંથી લાભ મેળવ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 93 હજાર રૂપિયા રોકડા તેમજ 3 મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. હાલ અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ રાજ્યોમાં પોલીસ ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગનો મુખ્ય સૂત્રધાર કુંદન ભગત હાલ પટનાની બેઉર સેન્ટ્રલ જેલમાં કેદ છે અને જેલમાંથી જ ગેંગનું સંચાલન કરતો હતો. તે અગાઉ 2023માં દેહરાદુનમાં રિલાયન્સ જ્વેલરી શોરૂમમાં થયેલી કરોડોની લૂંટમાં પણ સંડોવાયેલો હતો.

સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, આરોપીઓએ અગાઉથી બેંકની રેકી કરી હતી અને પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત રહે તેવા સમયનો ફાયદો ઉઠાવી લૂંટને અંજામ આપ્યો હતો. આરોપીઓએ ખોટા આધાર કાર્ડ બનાવી શહેરમાં ભાડાના મકાનોમાં રહી આયોજનબદ્ધ રીતે ગુનાને અંજામ આપ્યો હતો.

પોલીસ દ્વારા મુખ્ય આરોપી કુંદન ભગતના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં અન્ય તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવશે તેવી પોલીસે ખાતરી વ્યક્ત કરી છે.