Vadodara: વડોદરાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં સરકારી હાઈસ્કૂલમાં 13 વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરીક અડપલાની ઘટના બહાર આવતા શિક્ષણ જગતમાં ફરી ચકચાર મચી છે. મૂળ વાઘોડિયાના અને હાલ હાલોલમાં રહેતા 40 વર્ષીય ગણિતના શિક્ષક પ્રગ્નેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલ વિરુદ્ધ જરોદ પોલીસે પોક્સો તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, 3 ડિસેમ્બર, 2025ના રોજ બપોરે લગભગ 1:30થી 2 વાગ્યા દરમિયાન શાળાની રિસેસ દરમ્યાન વિદ્યાર્થિની પ્રિન્સિપાલ ઓફિસની લોબીમાં પોતાની સહેલીઓ સાથે ઊભી હતી. આ સમયે આરોપી શિક્ષક ત્યાં આવી પહોંચ્યા અને બદઇરાદા સાથે વિદ્યાર્થિનીના બરડાના ભાગે હાથ ફેરવી છેડતી કરી હતી. વિદ્યાર્થિનીએ ડરીને આ સમગ્ર ઘટના ઘરે જઈ પિતાને જણાવી હતી.
વિદ્યાર્થિનીએ ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું કે, રક્ષાબંધન પર્વના એક દિવસ પહેલાં રાખડીઓ બનાવતી વખતે પણ શિક્ષકે તેના બંને હાથ પકડીને અયોગ્ય વર્તન કર્યું હતું.
આ સમગ્ર મામલે વિદ્યાર્થિનીના પિતા અને સગાએ મળીને શાળાના આચાર્યને લેખિત ફરિયાદ કરી હતી. આચાર્યએ સોમવારે બોલાવેલી શાળા સમિતિની બેઠકમાં મુદ્દે ચર્ચા કરીને યોગ્ય પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું. જો કે ફરિયાદીને શાળા તંત્ર પર વિશ્વાસ ન હોવાથી તેઓએ સીધો જરોદ પોલીસ સ્ટેશનનો દરવાજો ખટખટાવ્યો હતો.
પોલીસે તરત જ ફરિયાદના આધારે IPC-2023ની કલમ 75(2) અને પોક્સો એક્ટની કલમ 12 હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ આરોપી શિક્ષક પ્રગ્નેશકુમાર પટેલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ માટે પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે.
ગત ત્રણ દિવસમાં વડોદરા શહેર તેમજ જિલ્લામાં વિદ્યાર્થિનીઓ સાથે છેડતીની આ બીજી ઘટના સામે આવતા વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ચિંતાનો માહોલ છવાયો છે. સુરક્ષા અને સંવેદનશીલતા બાબતે શાળા તંત્ર વધુ સતર્ક બનવાની માંગ ઉઠી રહી છે.
