વડોદરાના શક્તિ સર્કલ ગરબામાં મોટો વિવાદ, પાસના રૂપિયા ઉઘરાવ્યા પણ છઠ્ઠા નોરતે આયોજન બંધ!

વડોદરામાં ‘શક્તિ સર્કલ ગરબા’માં આયોજકો કરોડો રૂપિયા ઉઘરાવીને ફરાર થઈ જતાં છઠ્ઠા નોરતે ગરબા રદ કરાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 17 Oct 2026 12:51 PM (IST)Updated: Sat, 17 Oct 2026 12:51 PM (IST)
vadodara-shakti-circle-garba-cancelled-kinjal-dave-pass-scam-organisers-absconding

Vadodara Navratri Scam: સંસ્કારી નગરી વડોદરામાં પ્રથમ વખત યોજાયેલા ‘શક્તિ સર્કલ ગરબા’માં ગેરવહીવટ અને કરોડો રૂપિયાની નાણાકીય હેરફેરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સેવાસી-સિંધરોટ રોડ પર ડેકાથલોન નજીક આવેલા આરુષ લોન્સ ખાતે 11 થી 20 ઓક્ટોબર દરમિયાન 10 રાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આયોજકોની નાણાકીય નિષ્ફળતા અને ચુકવણી ન થવાને કારણે છઠ્ઠા નોરતે ગરબા અચાનક બંધ કરી દેવાતા ખેલૈયાઓમાં ભારે રોષ અને ખળભળાટ મચી ગયો છે.

આયોજકોએ પાસના નામે મોટી રકમ ઉઘરાવી

મળતી વિગતો અનુસાર, જાણીતી ગાયિકા કિંજલ દવે, ઈશાની દવે, ગાયક વેદાંત રાવત અને સારથી બેન્ડના પ્રખ્યાત નામોનો મોટો પ્રચાર કરીને આયોજકો નિહાર પરીખ, હર્ષિલ કંથારીયા (હેરી) અને દીપ્તિ રઘુવંશી દ્વારા ખેલૈયાઓ પાસેથી પાસના નામે રૂ. 5,000 થી 7,000 જેવી મોટી રકમ ઉઘરાવવામાં આવી હતી.

ગરબા રદ કરી દેવાની જાહેરાત કરી

આયોજકોએ ગરબાના કલાકારો, પ્રોડક્શન હાઉસ અને ફરાસખાના વાળાના રૂપિયા પણ ચૂકવ્યા ન હતા. માત્ર ત્રણથી ચાર દિવસના ગરબા બાદ 14 ઓક્ટોબરથી જ આયોજકોએ સામાજિક માધ્યમો પર સ્થળ બદલવા અને અણધારી પરિસ્થિતિનું બહાનું ધરી ગરબા રદ કરવાની જાહેરાત કરી દીધી હતી.

ગરબા રદ થતાં ખેલૈયાઓમાં રોષ

વિવાદ વધતા અને લોકોનો વિરોધ શરૂ થતાં આયોજકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના કમેન્ટ સેક્શન બંધ કરી દીધા હતા હાલ ત્રણેય આયોજકો ફોન બંધ કરીને ફરાર થઈ ગયા છે. નાણાકીય ગેરરીતિ અને કલાકારો તથા ફરાસખાના વાળાની રકમ ચૂકવવામાં નિષ્ફળ નીવડેલા આયોજકો સામે ખેલૈયાઓ અને સહ-કલાકારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.