Rajkot: વિદ્યાર્થીઓ દ્વારા દ્વારા પરીક્ષામાં પેપર નબળું જાય કે પરીક્ષામાં નાપાસ થવાનાં કારણે અમુકવાર હતાશ થઇ આત્મઘાતી પગલું ભરી લેતા હોવાનાં બનાવ ઘણીવાર સામે આવે છે, ત્યારે આજે વધુ એક ઘટના રાજકોટ શહેરમાં બની છે.
રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ મથકનાં વિસ્તારમા આવતી સવાશ્રય સોસાયટીમાં રહેતા અને કાલાવડ રોડ પર આવેલી આત્મીય કોલેજમાં મિકેનીકલ એન્જીનીયરનો અભ્યાસ કરતા આશાસ્પદ વિદ્યાર્થીએ પોતાનાં ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પટેલ પરીવારમા શોક છવાઇ ગયો છે.
આ ઘટના અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં અને પરિવારજનોની પુછપરછ દરમ્યાન જાણવા મળ્યુ હતુ કે, હાલ મૃતક વિદ્યાર્થીની પરીક્ષા ચાલુ હોય અને તેનું પેપર નબળુ જતા તે હતાશ થઇ ગયો હતો. ગઇકાલે રાત્રે માતા-પિતા સત્સંગમા ગયા બાદ તેમણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સવાશ્રય સોસાયટી શેરી નં 5માં રહેતા અવિનાશ હરસુખભાઇ મોલીયા (20) નામનાં યુવાને પોતાનાં ઘરે સીડીની ગ્રીલમા ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ લેતા તેમનુ ઘટના સ્થળે મૃત્યુ નીપજયુ હતુ. આ અંગે 108 નાં ઇએમટી બાબુભાઇએ અવિનાશને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો અને બનાવ અંગે પોલીસ કંટ્રોલ રૂમમા જાણ કરતા પીએસઆઇ એચ કે. રાવલે માલવીયા નગર પોલીસને જાણ કરી હતી . જેથી માલવીયા નગર પોલીસનાં હેડ કોન્સ્ટેબલ એ. વી. ચાવડા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ પર કાગળો કર્યા બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો.
મૃતક અવિનાશ એક બહેનનો એકનો એક ભાઇ હતો. તેનાં પિતાને ઉદ્યોગનગરમાં સબમર્શીબલનું કારખાનુ છે. તેના પિતા પણ સિવીલ એન્જીનીયર હોય દીકરાને એન્જીનીયર બનાવવા માટે આત્મીય કોલેજમા એડમીશન લેવડાવ્યુ હતુ અને પુત્ર અવિનાશ અભ્યાસમાં હોશિયાર હોવાથી તેને મિકેનીકલ એન્જીનીયરીંગમા એડમિશન મળ્યુ હતુ અને તેમની પરીક્ષા હાલ ચાલી રહી હતી.
ગઇકાલે પરીવારજનો સાથે જમ્યા બાદ માતા-પિતાએ અવિનાશને કહયુ કે, અમે સ્વામિનારાયણની સભામાં જઇએ છીએ. તુ પણ સાથે આવ. આથી અવિનાશે કહયુ હતુ કે, તેમની હાલ પરીક્ષા ચાલી રહી છે અને વાંચવાનુ ઘણું બધું છે. જે બાદ તેમનાં માતા-પિતા સત્સંગમા જતા રહયા હતા અને પુત્ર અવિનાશ ઘરે હતો. આ સમયે અવિનાશે પગલું ભરી લીધુ હતુ. જયારે માતા-પિતા ઘરે આવ્યા, ત્યારે પુત્રને લટકતો જોઇ માતા-પિતાએ દેકારો કરી મૂકયો હતો. આથી આજુબાજુનાં લોકો તુરંત ત્યા આવી પહોચ્યા હતા અને 108 તેમજ પોલીસને જાણ કરી હતી.
આ ઘટના અંગે પોલીસની પ્રાથમીક તપાસમા જાણવા મળ્યુ હતુ કે મૃતક અવિનાશ મિકેનીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો હોય અને હાલ તેમની પરીક્ષા ચાલુ હતી. તેમનુ પેપર નબળુ જતા તેમણે આ પગલુ ભરી લીધુ હતુ. પુત્રનાં આપઘાતથી પરીવાર શોક છવાઇ ગયો છે.
