શિનોર હનીટ્રેપ કાંડઃ રૂ. 75 લાખની ખંડણી વસૂલવાના ગુનામાં વધુ 2 મહિલા સહિત 5 સાગરિતો ઝબ્બે, રૂ.28.68 લાખનો મુદ્દામાલ રિકવર

મુખ્ય સુત્રધાર મનાતી મનિષાના પરિવારજનો અને નિકટના સબંધીઓની પણ ગુનામાં સંડોવણી સામે આવી. જેના આધારે તેની સહેલી, માતા, ભાઈ અને બનેવી ઝડપાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 24 Apr 2026 12:02 AM (IST)Updated: Fri, 24 Apr 2026 12:02 AM (IST)
vadodara-news-honeytrap-gang-busted-in-shinor-5-more-arrested-mastermind-still-absconding
HIGHLIGHTS
  • મુખ્ય સુત્રધાર મનિષા હજુ પણ પોલીસ પકડથી દૂર
  • અગાઉ અન્વર મન્સુરી, સલીમ અને આશિક પઠાણની ધરપકડ કરી હતી

Vadodara: શિનોર તાલુકામાં ભારે ચકચાર જગાવનાર રૂ. 75.75 લાખના હનીટ્રેપ અને બ્લેકમેલિંગના કેસમાં વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને શિનોર પોલીસને વધુ એક સફળતા મળી છે.

આ મામલે શિનોરના રહીશ હરેશને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવનાર ગેંગના વધુ 5 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ધરપકડ સાથે જ કેસમાં સંડોવાયેલા આરોપીઓનો આંકડો વધ્યો છે, જોકે મુખ્ય સૂત્રધાર મનીષા હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

આ ચકચારી કેસની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને શિનોર પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. અગાઉ પોલીસે આ કેસમાં અનવર મન્સૂરી, સલીમ ઉર્ફે બતક અને આશિક પઠાણની ધરપકડ કરી લાખોની રોકડ જપ્ત કરી હતી.

નવા પી.આઈ. આર.આર. વસાવાએ ચાર્જ સંભાળ્યા બાદ મુખ્ય આરોપી શૈલેષ વસાવાને ઝડપી પાડ્યો હતો. શૈલેષના રિમાન્ડ દરમિયાન તેની પાસેથી રૂ. 2.13 લાખની સોનાની લકી, 5 લાખની ગાડી, રોકડ અને ઘરેણાં મળી કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. અત્યાર સુધીમાં પોલીસ કુલ રૂ. 28,68,000 નો મુદ્દામાલ રિકવર કરવામાં સફળ રહી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ગુનામાં માસ્ટરમાઈન્ડ મનિષાના પરિવારજનો અને નજીકના સંબંધીઓ પણ સામેલ હતા. પોલીસે બાતમીના આધારે આકાશ વસાવા, પ્રકાશ વસાવા, હરદીપસિંહ ધરીયા, નિશા રાઠવા, લક્ષ્મી ઠાકોર પટેલને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડ અને મોબાઈલ ફોન જપ્ત કર્યાં છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હનીટ્રેપની મુખ્ય સૂત્રધાર મનીષા ઉર્ફે શાંતાબેન હજુ પોલીસ પકડથી દૂર છે. આ ઉપરાંત આશિકનો ભાઈ અહેમદ (જેણે રૂ. 8 લાખ લીધા હતા), માલસર-માંડવા વચ્ચેના આશ્રમનો મહારાજ, અને 'લંગડો' તરીકે ઓળખાતા શખ્સ સહિત અન્ય સાગરીતોની શોધખોળ ચાલુ છે.

પોલીસે પકડાયેલા પાંચેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે જેથી ખંડણીના બાકીના નાણાં અને અન્ય કાવતરાખોરોનો પત્તો લગાવી શકાય. આ કેસમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે.