Vadodara News:વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં 66 વર્ષીય વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લાખો રૂપિયા પડાવવાના ચકચારી કેસમાં પોલીસે અને કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. વૃદ્ધને ફસાવીને નગ્ન ફોટા પાડી દુષ્કર્મ તથા ગર્ભવતી બનાવવાના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી તબક્કાવાર કુલ ₹ 75.75 લાખની માતબર રકમ બ્લેકમેલ કરીને પડાવી લેવામાં આવી હતી. આ ગંભીર ગુનામાં વડોદરા જિલ્લામાં પ્રથમ વખત કાયદાકીય ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ગુનાહિત કાવતરાના મુખ્ય સૂત્રધાર પૈકીના એક આરોપી આશિકહુસેન ઉર્ફે તલાટી સિકંદરખાન પઠાણ (મૂળ રહે. શિનોર, હાલ રહે. પાલેજ, જી.ભરૂચ) ના ભાગે અંદાજે ₹ 25 લાખ આવ્યા હતા. આ ગેરકાયદેસર કમાણીમાંથી આરોપીએ ₹ 6.90 લાખ પોતાના પુત્ર અસ્ફાકહુસેનના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આટલું જ નહીં, હનીટ્રેપની ગેરકાયદે આવકનો ઉપયોગ કરીને ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત સાલે-2 સોસાયટીમાં પોતાની પત્નીના નામે એક આલીશાન મકાન ખરીદવામાં આવ્યું હતું.
ગુનાહિત પ્રવૃત્તિઓથી ઊભી કરવામાં આવેલી સંપત્તિ સામે લાલ આંખ કરીને વડોદરા જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ શિનોર પોલીસ દ્વારા આ મિલકત સીઝ કરવા માટે શિનોર કોર્ટમાં ખાસ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. અદાલતમાં બંને પક્ષોની ધારદાર રજૂઆતો અને દલીલો સાંભળ્યા બાદ, શિનોર કોર્ટે BNSSની કલમ 107 હેઠળ આરોપીની પાલેજ ખાતેની મિલકત સીઝ કરવાનો ઐતિહાસિક હુકમ ફરમાવ્યો હતો.
નોંધપાત્ર બાબત એ છે કે વડોદરા જિલ્લામાં આ પ્રકારની BNSS કલમ 107 હેઠળ મિલકત સીઝ કરવાનો આ સર્વપ્રથમ કાનૂની હુકમ છે. કોર્ટના આ કડક આદેશના અમલીકરણ માટે જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર શિનોર પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર.વસાવા પોતાની ટીમ સાથે પાલેજ પહોંચ્યા હતા. ત્યાં બે સરકારી પંચની ઉપસ્થિતિમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપી આશિકહુસેનનું મકાન વિધિવત રીતે સીઝ કરવામાં આવ્યું હતું.
આ ચકચારી હનીટ્રેપ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓને ઝડપીને જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે. ગેરકાયદેસર માર્ગેથી મિલકતો ઊભી કરનારા ગુનેગારો સામે પોલીસ અને ન્યાયતંત્રની આ કડક કાર્યવાહીથી ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને આ કેસ ભવિષ્ય માટે એક મોટો દાખલો સાબિત થશે.
