Rajkot: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે તમામ પાર્ટીઓ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જે અંતર્ગત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં આયોજિત 'પ્રબુદ્ધ નાગરિક સંમેલન'માં હાજરી આપી હતી. જ્યાં મંચ પરથી તેમણે વિપક્ષી પાર્ટીઓ, ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કર્યા હતા.
ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર
પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ચૂંટણી ભલે ગમે તે રાજ્યમાં હોય, પરંતુ પંજો, ઝાડુ અને સપા જેવી પાર્ટીઓ હંમેશા ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવાનું કામ કરે છે.
તેમણે સુરતના ઉલ્લેખ સાથે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, ત્યાં 'આપિયા, પાપિયા અને ટાપીયાઓ'એ ઉઘરાણીના ધંધા શરૂ કરી દીધા છે, જે જનતા માટે જોખમી છે.
જંગલેશ્વરમાં 70 ટકા સફાયો, બાકીનું 30 ટકા પણ ટૂંક સમયમાં સાફ થશે
રાજ્યમાં સરકારી જમીનો પરના અતિક્રમણ મુદ્દે સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. જેને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર ડ્રગ પેડલરો અને બુટલેગરોનું કેન્દ્ર બની ગયો હતો, જ્યાંથી 70 ટકા દબાણો હટાવી દેવાયા છે. આવી જ રીતે અમદાવાદના ચંડોળા તળાવ અને દ્વારકાના હર્ષદ તેમજ સોમનાથ અને કચ્છમાં પણ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
રાજકોટની જનતાને ચેતવતા હર્ષ સંઘવીએ કટાક્ષ કર્યો હતો કે, જો ભૂલેચૂકે પણ કોઈ વોર્ડમાં કોંગ્રેસ કે 'આપિયો-પાપિયો' જીતી ગયો, તો તમારી નવરાત્રી રાત્રે 12 વાગ્યે જ બંધ કરાવી દેશે.
જો આવી સ્થિતિ સર્જાશે તો તેમને 'સરખા' કરવા માટે મારે ગાંધીનગરથી રાજકોટ આવવું પડશે. આ સાથે જ હર્ષ સંઘવીએ સંઘવીએ 2026ની આગામી ચૂંટણીમાં ભાજપ 2021 કરતા પણ વધુ ભવ્ય વિજય મેળવશે તેવો દાવો કર્યો હતો.
