Vadodara: હોળીને પગલે પશ્ચિમ રેલવેની વિશેષ વ્યવસ્થા, વધતા જતાં મુસાફરોને ધ્યાનમાં રાખીને વડોદરા-ખાતીપુરા વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરૂ

રેગ્યુલર ટ્રેનોમાં ટિકિટ ના મળતા હાલાકી ભોગવી રહેલા મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન સારો વિકલ્પ સાબિત થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 01 Mar 2026 06:31 PM (IST)Updated: Sun, 01 Mar 2026 06:31 PM (IST)
vadodara-news-holi-festival-special-train-to-khatipura-till-march-29
HIGHLIGHTS
  • આગામી 29 માર્ચ સુધી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો

Vadodara: હોળી અને ધૂળેટી પર્વ નજીક આવતાં દેશના વિવિધ રાજ્યો તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી ગઈ છે. ખાસ કરીને દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતાં માર્ગોમાં ભારે દબાણ સર્જાયું છે. અનેક ટ્રેનોમાં વેઇટિંગ યાદી લાંબી થતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વધારાની સુવિધા રૂપે ‘ફેસ્ટિવલ સ્પેશિયલ’ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા અને ખાતીપુરા વચ્ચે આ વિશેષ ટ્રેન 1 માર્ચથી 29 માર્ચ સુધી ચલાવવામાં આવશે. હોળીના તહેવાર દરમિયાન વતન જવા ઇચ્છુક મુસાફરોને આથી મોટી રાહત મળશે.

વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા મુજબ, આ ટ્રેન દર રવિવારે વડોદરાથી રાત્રે 9:35 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે વહેલી સવારે 2:10 વાગ્યે ખાતીપુરા પહોંચશે. મુસાફરોને ધ્યાનમાં રાખીને વિશેષ ભાડા સાથે આ ટ્રેન દોડાવવામાં આવશે.

રેલવે તંત્રનું કહેવું છે કે, તહેવારો દરમિયાન વધતા મુસાફરોના દબાણને હળવું કરવા માટે આવી વિશેષ ટ્રેનો અત્યંત જરૂરી બની રહે છે. નિયમિત ટ્રેનોમાં ટિકિટ ન મળતા પરેશાન થતા યાત્રીઓ માટે આ એક સારો વિકલ્પ સાબિત થશે.

રેલવે દ્વારા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ પોતાની મુસાફરી પહેલા સમયપત્રક અને ટિકિટ ઉપલબ્ધતા અંગે સત્તાવાર માધ્યમો પરથી માહિતી મેળવી લે. હોળીના પર્વને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો આ નિર્ણય હજારો મુસાફરો માટે સુવિધાજનક અને આરામદાયક સફર સુનિશ્ચિત કરશે.