Vadodara: સંસ્કારી નગરી વડોદરામાં આ વર્ષે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલનો રંગ જામશે. ગુજરાત ટુરિઝમ દ્વારા જાહેર કરાયેલા ફેસ્ટિવલના લોકેશન્સમાં વડોદરાનું નામ ન આવતાં શહેરના પતંગરસિકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. જો કે પતંગ રસિકોની નારાજગીને પગલે આખરે રાજ્ય સરકાર દ્વારા વડોદરાને ફરી કાઈટ ફેસ્ટિવલમાં સામેલ કરવાનો મોટો નિર્ણય લીધો છે.
હકીકતમાં વર્ષોથી વડોદરાના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલનું આયોજન થતું આવ્યું છે, જેમાં દેશ-વિદેશના પતંગબાજો મોટી સંખ્યામાં ભાગ લેતા રહ્યા છે.
જો કે આ વર્ષે અચાનક વડોદરાને આયોજનમાંથી બાકાત રાખવામાં આવતા પતંગરસિકો, કાઈટ ક્લબ્સ અને સાંસ્કૃતિક વર્તુળોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ બાબતને ‘ગુજરાતી જાગરણ’ દ્વારા ઉજાગર કરવામાં આવતા આ મુદ્દે રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમનું ધ્યાન દોરાયું હતું.
એવામાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ પણ આ મુદ્દે સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે ગુજરાત ટુરિઝમ અને રાજ્ય સરકારને પત્ર લખીને વડોદરાની વર્ષોની પરંપરા જાળવવા મજબૂત રજૂઆત કરી હતી.
વડોદરા સાંસદે જણાવ્યું હતું કે વડોદરા એક ઉત્સવપ્રિય નગરી છે અને અહીંના લોકો માટે કાઈટ ફેસ્ટિવલ માત્ર કાર્યક્રમ નહીં પરંતુ સંસ્કૃતિનો ભાગ છે. આથી રજૂઆતને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે વડોદરામાં કાઈટ ફેસ્ટિવલ યોજવા માટે મૌખિક મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયમાં શહેરના ધારાસભ્યો તેમજ સ્થાનિક સંગઠનોના સમર્થનનો પણ મહત્વનો ફાળો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
હવે ગાંધીનગર સ્થિત ગુજરાત ટુરિઝમ વિભાગ અને વડોદરાના જિલ્લા કલેક્ટર તથા મ્યુનિસિપલ કમિશનર વચ્ચે સંકલન સાધીને ટૂંક સમયમાં ફેસ્ટિવલની ચોક્કસ તારીખ અને આયોજનની વિગતો જાહેર કરવામાં આવશે. આ નિર્ણય બદલ સાંસદ ડો. હેમાંગ જોશીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો છે.
