Vadodara: વડોદરાએ દેશને અનેક વિશ્વકક્ષાના ક્રિકેટરો આપ્યા હોવા છતાં, શહેરના ક્રિકેટ પ્રેમીઓને આગામી આંતરરાષ્ટ્રીય મેચની ટિકિટો મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
આગામી તા. 11મીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન-ડે સિરીઝની સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ વડોદરાના છેવાડે આવેલા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી છે. આ મેચને લઈને શહેરના ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ ટિકિટ વ્યવસ્થાને લઈને અસંતોષ અને હતાશાની લાગણી વ્યાપી છે.
આ મેચ માટે જુદા જુદા ભાવની ટિકિટો ગત બે દિવસ દરમિયાન માત્ર ઓનલાઈન માધ્યમથી ‘બુક માય શો’ની લિંક પર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં લિંક ખુલતા જ ગણતરીની મિનિટોમાં તમામ ટિકિટો વેચાઈ ગઈ, જેના કારણે મોટી સંખ્યામાં વડોદરાના ક્રિકેટ પ્રેમીઓ ટિકિટથી વંચિત રહી ગયા. ખાસ કરીને ઓનલાઈન બુકિંગની મર્યાદાઓને કારણે વડીલો, વિદ્યાર્થીઓ અને ડિજિટલ સુવિધાઓથી દૂર રહેલા લોકોમાં ભારે નારાજગી જોવા મળી.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર એનએસયુઆઈ દ્વારા જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. શહેર એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાના નેજા હેઠળ કાર્યકરો જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળ્યા હતા અને શહેરના ક્રિકેટ પ્રેમીઓની લાગણી રજૂ કરી હતી.
NSUIએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, વડોદરાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા અનેક ઉચ્ચકક્ષાના ક્રિકેટરો દેશને આપ્યા છે, છતાં આ શહેરના સાચા ક્રિકેટ રસિયાઓને ટિકિટનો પૂરતો જથ્થો મળતો નથી, જે દુર્ભાગ્યજનક છે.
એનએસયુઆઈએ રજૂઆતમાં ખાસ ભાર મૂક્યો હતો કે માત્ર ઓનલાઈન ટિકિટ વ્યવસ્થાથી સામાન્ય જનતા વંચિત રહી જાય છે. તેથી વડોદરાના ક્રિકેટ પ્રેમીઓ માટે ઓફલાઈન ટિકિટ વ્યવસ્થા પણ તાત્કાલિક શરૂ કરવી જોઈએ, જેથી દરેક વર્ગના લોકો સરળતાથી મેચનો આનંદ લઈ શકે. જિલ્લા કલેક્ટરને કરાયેલી આ રજૂઆત બાદ હવે શહેરના ક્રિકેટ રસિયાઓને આશા છે કે પ્રશાસન યોગ્ય નિર્ણય લઈ તેમને ન્યાય અપાવશે.
