Vadodara News: વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવા તથા લુખ્ખા તત્ત્વો સામે લાલ આંખ કરવાના હેતુથી ગોરવા પોલીસ હરકતમાં આવી ગઈ છે. ગોરવા પોલીસ ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સતર્કતા દાખવીને સઘન કોમ્બિંગ અને ઇન્ટેન્સિવ વિજિલ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
ખાસ કરીને સુમસામ રસ્તાઓ, અવાવરૂ સ્થળો અને ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારોમાં પોલીસ કાફલો ઉતારીને ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ પ્રવૃત્તિઓ ધરાવતા લોકો પર નજર રાખીને ગુનાખોરીને ડામવા તથા નાગરિકો, વિશેષ કરીને મહિલાઓમાં સુરક્ષાની ખાતરી આપવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આજથી બે વર્ષ પહેલા 4 ઓક્ટોબર, 2024માં નવરાત્રીના બીજા નોરતે ભાયલી વિસ્તારના એક અવાવરૂ સ્થળે 16 વર્ષની માસૂમ સગીરા પર સામુહિક દુષ્કર્મે સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખ્યું હતુ. આ ચકચારી કેસમાં વડોદરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તમામ આરોપીઓને જેલભેગા કર્યા હતા. જે બાદ સ્પેશિયલ પોક્સો કોર્ટે પાંચેય દોષિતોને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સખત સજા ફટકારીને દાખલારૂપ ન્યાય આપ્યો હતો.
ભાયલીની ઘટનામાંથી બોધપાઠ લઈને ગોરવા પોલીસે પોતાના વિસ્તારના તમામ અવાવરૂ સ્થળો, ગરબા ગ્રાઉન્ડ નજીકના વિસ્તારો અને અંધારા ખૂણાઓ પર કડક સિક્યોરિટી ગ્રીડ તૈયાર કરી છે. કોઈ પણ અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ જણાતાં જ તાત્કાલિક પૂછપરછ અને અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. ગોરવા પોલીસની આ સક્રિય અને પ્રશંસનીય કાર્યવાહીથી અસામાજિક તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સ્થાનિક રહીશોમાં સુરક્ષાનો અહેસાસ વધુ દ્રઢ બન્યો છે.
