Vadodara: દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે પુષ્ય નક્ષત્રના (Pushya Nakshatra) શુભ અવસર પર સોનાની ખરીદી (Gold Buy) કરવાનું ખાસ મહત્વ છે. જો કે આ વર્ષે સોનાના ભાવમાં સતત વધારો થવાને કારણે વડોદરા શહેરમાં સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
ગત વર્ષ કરતા આ વર્ષે સોનાની ખરીદીમાં આશરે 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે શહેરમાં અંદાજે 250 કરોડ રૂપિયાનું સોનું અને ચાંદીનું વેચાણ થયું હતું, જ્યારે આ વર્ષે આશરે 150 કરોડ રૂપિયાના વેચાણનો અંદાજ વેપારીઓ લગાવી રહ્યા છે.
વડોદરાના જાણીતા ગણદેવેકર જ્વેલર્સના સંચાલક સુનિલ ગણદેવીકરે જણાવ્યું કે, છેલ્લા કેટલાક મહિનાથી સોનાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. રોજે-રોજ 2000 થી 2500 રૂપિયા જેટલો વધારો થઈ રહ્યો છે અને દિવસમાં ચારથી પાંચ વખત રેટ બદલાઈ રહ્યા છે
ઘણા ઇન્વેસ્ટમેન્ટ કરનારા ગ્રાહકોએ અગાઉ જ ગોલ્ડમાં રોકાણ કરી દીધું છે, જેથી તેઓ હાલ લાભમાં છે. હાલના શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને ગ્રાહકો 1 થી 20 ગ્રામ સુધીની નાના કદની લગડીઓ ખરીદી રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, વેપારીઓ માટે હાલનો સમય જોખમી છે, કારણ કે રેટ એટલો વધી ગયો છે કે સામાન્ય ગ્રાહકોની ખરીદી ક્ષમતા ઘટી છે. આ વર્ષે વેચાણમાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આમ છતાં પુષ્ય નક્ષત્ર અને આવનારા તહેવારોને લઈને મુહૂર્તીય ખરીદી ચાલુ છે.
સોનું ખરીદવા આવેલા ગ્રાહક અલ્પેશ સુથારે જણાવ્યું કે, ભાવ વધ્યા છતાં સોનાની ઘરાકી સારી છે. છેલ્લા એક વર્ષમાં સોનાનો ભાવ લગભગ 65 થી 70 ટકા વધ્યો છે. આમ છતાં લોકો શુભ દિવસે ખરીદી કરતા જ હોય છે. પુષ્ય નક્ષત્ર હિંદુ પંચાંગ અનુસાર અતિ શુભ માનવામાં આવે છે, તેથી લોકો નાના પ્રમાણમાં ખરીદી કરવાનું ચૂકતા નથી.
અલ્પેશ સુથારના મતે, હાલ સોનું ઇન્વેસ્ટમેન્ટ માટે ફાયદાકારક છે, પરંતુ આગામી સમયમાં જો વૈશ્વિક પરિસ્થિતિ સુધરે જેમ કે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય અથવા ચીન પરના ટેરિફમાં રાહત મળે તો સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. તેમ છતાં પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તે વડોદરામાં પરંપરા મુજબ સોનાની ખરીદી થતી જ રહી છે.
