Vadodara: વડોદરા શહેરમાં વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર વૈશ્વિક સ્તરે યોજાનારો સૌથી મોટો આધ્યાત્મિક મહોત્સવ આવનારા દિવસોમાં સાકાર થવાનો છે. VYO (વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન) અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારની અધ્યક્ષતામાં 21 થી 29 ડિસેમ્બર 2025 દરમિયાન ઐતિહાસિક નવલખી મેદાન ખાતે 'ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મહોત્સવનો આરંભ 21 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે વ્રજધામ આધ્યાત્મિક સંકુલથી ભવ્ય શોભાયાત્રા સાથે થશે, જે સાંજે 3 વાગ્યે નવલાખી મેદાન ખાતે પહોંચશે. જે બાદ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર દ્વારા મુખ્ય શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થશે.
નવ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં વડોદરા સહિત ગુજરાત, ભારત અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. અમેરિકા સહિત વિવિધ દેશોમાંથી 2000થી વધુ વિદેશી વૈષ્ણવો ખાસ વડોદરા આવશે.
આ મહોત્સવ નિમિત્તે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની વિશ્વસ્તરીય સંસ્થા VYOના 15 વર્ષ અને ગુજરાતના સૌથી મોટા આધ્યાત્મિક કેન્દ્ર વ્રજધામ સંકુલના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પણ કરવામાં આવશે. VYO આજે વિશ્વના 15 દેશોમાં સક્રિય રીતે કાર્યરત છે.
મહોત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓને એક જ સ્થળે ભારતના મુખ્ય તીર્થો અને ધામોના દર્શનનો અલભ્ય લાભ મળશે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, દ્વારકાધીશ, જગન્નાથ પુરી, રામેશ્વરમ, તિરુપતિ બાલાજી, નાથદ્વારા શ્રીનાથજી અને અયોધ્યા શ્રીરામ મંદિર સહિત વિરાટ હિમાલય અને શ્રી ગિરિરાજજીની ભવ્ય ઝાંખી તૈયાર કરવામાં આવશે. સાથે જ ગંગા, યમુના, નર્મદા સહિત 29 પવિત્ર નદીઓનું જળ અને 64 કુંડનું તીર્થજળ વડોદરા લાવવામાં આવશે.
દરરોજ 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક સાત્વિક ભોજન સેવા અને જરૂરિયાતમંદો માટે 15,000 ઊનના કમ્બળોનું વિતરણ કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન વિષ્ણુ સહસ્રનામ યજ્ઞ, પુરુષોત્તમ યજ્ઞ, સંકર્ષણ યજ્ઞ, નરસિંહ-લક્ષ્મી યજ્ઞ અને અપમાર્જન યજ્ઞ સહિત દરરોજ પાંચ યજ્ઞ યોજાશે.
VYOના ગ્લોબલ પ્રેસિડેન્ટ રાજીવ શાહે જણાવ્યું કે, 350થી વધુ સ્ટોલ્સ સાથે ભવ્ય બિઝનેસ એક્સ્પો, ડોનર મેમ્બર્સ માટે બિઝનેસ સમિટ તથા ઇન્ટરનેશનલ લીડર્સ કોન્કલેવ પણ યોજાશે. દેશ-વિદેશના સંતો, મહંતો, વૈષ્ણવાચાર્યો અને અનેક પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિ સાથે આ મહોત્સવ વડોદરાના ઇતિહાસમાં એક નવી અધ્યાય રચશે.
