Vadodara: નવાપુરામાં ધાર્મિક સ્થળના ખોદકામમાં ગેસ ગ્રેનેડ મળતા અફરાતફરી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમમાં દોડધામ

ગેસ ગ્રેનેડ 40 થી 50 વર્ષ જૂનો અને નિષ્ક્રિય હોવાનું તપાસમાં ખુલ્યું. વધુ તપાસ માટે ગ્રેનેડને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 16 Dec 2025 05:42 PM (IST)Updated: Tue, 16 Dec 2025 05:42 PM (IST)
vadodara-news-gas-grenade-found-at-navapura-while-digging
HIGHLIGHTS
  • મજૂરોને જમીનમાંથી બોમ્બ જેવો પદાર્થ દેખાતા પોલીસને બોલાવી

Vadodara: વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ મહેબૂબપુરા પોલીસ ચોકી નજીક ભાથુજી મહોલ્લામાં ચાલી રહેલા ધાર્મિક સ્થળના ખોદકામ દરમિયાન એક શંકાસ્પદ વસ્તુ મળી આવતા વિસ્તારમાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી. ખોદકામ કરનાર મજૂરોને જમીનમાં બોમ્બ જેવો દેખાતો પદાર્થ નજરે પડતાં તાત્કાલિક કામ અટકાવી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતાં જ નવાપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સાથે જ એસીપી અશોક રાઠવા, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સલામતીના કારણોસર આસપાસના વિસ્તારમાં સાવચેતી રાખવામાં આવી હતી અને લોકોને દૂર રાખવા પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવી હતી.

બોમ્બ સ્ક્વોડની ટીમે શંકાસ્પદ પદાર્થની વિગતવાર તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ખોદકામ દરમિયાન મળેલી વસ્તુ ગેસ ગ્રેનેડ છે. વધુ તપાસમાં આ ગેસ ગ્રેનેડ સંપૂર્ણપણે નિષ્ક્રિય હોવાનું સ્પષ્ટ થતાં કોઈ જોખમ ન હોવાની ખાતરી મળી હતી. આ માહિતી મળતા જ વિસ્તારમાં ફેલાયેલ ભયનો માહોલ ઓસર્યો હતો અને સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી.

બીજી તરફ સ્થાનિક અગ્રણી શીલાબેન ઠાકોર સહિત કેટલાક રહેવાસીઓએ આ બાબતે શંકા વ્યક્ત કરી હતી કે, ધાર્મિક સ્થળના ખોદકામ દરમિયાન કોઈ અયોગ્ય ઇરાદા સાથે આ ગેસ ગ્રેનેડ ત્યાં મૂકવામાં આવ્યું હોઈ શકે છે. જો કે પોલીસે આ પ્રકારની શંકાઓને નકારી કાઢી હતી.

એસીપી અશોક રાઠવાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ અનુસાર આ ગેસ ગ્રેનેડ અંદાજે 40થી 50 વર્ષ જૂનો છે અને તેમાંથી કોઈપણ પ્રકારનું જોખમ નથી. બોમ્બ સ્ક્વોડ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. તેમ છતાં, વધુ સ્પષ્ટતા માટે આ ગ્રેનેડને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવશે. હાલ સમગ્ર વિસ્તાર સંપૂર્ણપણે શાંત છે અને કોઈ અફવા પર ધ્યાન ન આપવા પોલીસે અપીલ કરી હતી.