Rajkot: રાજકોટ શહેરના મટુકી રેસ્ટોરન્ટની બાજુમાં ગોવિંદ રત્ન ગ્રીન સિટી 4મા રૂમ રાખી સહેલી સાથે રહેતી મૂળ ગીર સોમનાથની નર્સિંગની યુવતીએ ગઇકાલે મોબાઇલ પર ભાવિ મંગેતર સાથે વાતચીત કર્યા બાદ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી મટુકી રેસ્ટોરન્ટની બાજુમાં ગોવિંદ રત્ન ગ્રીન સિટી 4માં સહેલીઓ સાથે રૂમ રાખીને રહેતી મૂળ ગીર સોમનાથની મીતલ મનુભાઇ બામણીયા (22)એ ગઇકાલે રાતના સમયે પંખામા દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લેતા તેમનાં રૂમ પાર્ટનર યુવતીએ 108ને જાણ કરી હતી.
આ પણ વાંચો
જે બાદ ઘટના સ્થળે આવેલ 108ના EMT રવિભાઇ રાવલે યુવતીને જોઇ તપાસી મૃત જાહેર કરી હતી. જે બાદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ કીશનભાઇ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાગળો કર્યા બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલે મૃતદેહ પહોંચાડયો હતો . તેમજ યુવતીનાં પરીવારજનોને જાણ કરાતા પરીવારજનો રાજકોટ પહોંચ્યા હતા. દીકરીનો મૃતદેહ જોઇ તેઓ આઘાતમા સરી પડયા હતા.
પ્રાથમિક તપાસમાં, મૃતક મિતલ બે બહેન એક ભાઇમાં મોટી હતી અને તેમનાં પિતા માછીમારીનો ધંધો કરતા હતા. તેમજ મિતલ રાજકોટમાં પુનિત નગર પાસે આવેલી પ્રતિક્ષા હોસ્પિટલમાં નર્સીગ તરીકે નોકરી કરતી હતી અને શો રૂમમાં પણ કામ કરતી હતી.
મિતલની સગાઇ જયાં નકકી થઇ હતી, તે યુવક સાથે ગઇકાલે સાંજે વાત કર્યા બાદ તેમણે મોબાઇલ સ્વીચ ઓફ કરી આ પગલુ ભરી લીધુ હતુ. જયારે તેની રુમ પાર્ટનર રુમ પર પહોંચી, ત્યારે મિતલ લટકતી જોવા મળતા તેણીએ બુમાબુમ કરતા આજુબાજુનાં લોકો ત્યા દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. મિતલનાં આપઘાત પાછળનુ કારણ જાણવા તાલુકા પોલીસે તપાસ યથાવત રાખી છે.
