Vadodara: છેલ્લા 7 મહિનાથી બંધ રહેલો ગંભીરા બ્રિજ આજથી ટુ-વ્હીલર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. ગત જુલાઈ મહિનામાં ગંભીરા બ્રિજનો એક તરફનો ભાગ તૂટી પડ્યા બાદ બ્રિજ બંધ કરી દેવાતા આ વિસ્તારના હજારો લોકો, જેઓ રોજગારી અર્થે અવરજવર કરતા હતા, તેમના માટે મોટું સંકટ ઊભું થયું હતું.
જો કે લોકમાંગણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તાત્કાલિક જૂનો બ્રિજ રિપેર કરીને કાર્યરત કરવા ક્વાયત હાથ ધરવામાં આવી હતી. તૂટેલા બ્રિજને ફરી કાર્યરત કરવા માટે લોખંડનો નવો સ્પાન લગાવવાની જટિલ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સતત સાત મહિના સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેલા આ બ્રિજ પર તાજેતરમાં જ સ્પાન લોન્ચિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
નવા સ્પાનની મજબૂતીની ચકાસણી કરવા માટે આજે બ્રિજ પર સફળતાપૂર્વક 'ઓવરલોડ ટેસ્ટિંગ' કરવામાં આવ્યું હતું. સલામતીના પાસાઓને ધ્યાનમાં રાખીને, આજથી આ બ્રિજને ફક્ત ટુ-વ્હીલર વાહનો માટે ફરી ખુલ્લો મુકવામાં આવ્યો છે.
બ્રિજ ખુલ્લો મૂકતા પહેલા તંત્ર દ્વારા તેનું ઓવરલોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રેક્ટર દ્વારા બ્રિજની મજબૂતીની ચકાસણી કરવામાં આવી હતી. બ્રિજના ક્ષતિગ્રસ્ત ભાગ પર 80 ટન વજનનું સ્ટીલનું માળખું (સ્ટીલ સ્પાન) ગોઠવીને તેને મજબૂત બનાવવામાં આવ્યો છે. હાલમાં આ બ્રિજ પર ફક્ત ટુ-વ્હીલર ચાલકો અને પગપાળા જતા લોકો માટે જ મંજૂરી આપવામાં આવી છે. સુરક્ષાના કારણોસર ઓવરલોડ વાહનોની અવરજવર પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.
