Marriage Muhurat 2026: સૂર્યના મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ માંગલિક કાર્યોમાં લાગેલી રોક સમાપ્ત થઈ જશે. આગામી 14 એપ્રિલે મેષ સંક્રાંતિથી ખરમાસ સમાપ્ત થશે અને લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ અને બાબરી જેવા શુભ સંસ્કારોની શરૂઆત થઈ જશે.
એવામાં આગામી 19 એપ્રિલથી 29 જૂન સુધી લગ્ન માટે કુલ 23 શુભ મુહૂર્ત છે. જ્યારે અક્ષય તૃતીયાનો પર્વ 20 એપ્રિલના રોજ મનાવવામાં આવશે. આ દિવસ વણજોયું મુહૂર્ત હોવાના કારણે કોઈ પણ શુભ કાર્ય માટે અલગથી મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી.
મેષ સંક્રાંતિનું મહત્ત્વ અને સૂર્ય ઉપાસના
આ અંગે જાણીતા જ્યોતિષાચાર્ય પંડિત જગદીશ શર્માએ જણાવ્યું કે, 14 એપ્રિલના રોજ મનાવવામાં આવતી મેષ સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્મા, ઉર્જા અને જીવન શક્તિનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે, જે તેની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે. આ કારણે મેષ સંક્રાંતિનું પુણ્ય પણ અધિક ફળદાયી માનવામાં આવે છે.
ધાર્મિક માન્યતા મુજબ, આ દિવસે સ્નાન, દાન અને સૂર્યની ઉપાસના કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. મેષ સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, તાંબાના વાસણમાં સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરવો, ઘઉં, ગોળ, લાલ વસ્ત્ર, તાંબા અને મસૂરની દાળનું દાન કરવું અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે.
પંડિત જગદીશ શર્માએ જણાવ્યું કે, 17 મેથી 15 જૂન સુધી અધિક માસ રહેશે. જેના પગલે લગભગ એક મહિના સુધીલગ્ન સહિત અન્ય માંગલિક પ્રસંગો પર બ્રેક લાગી જશે. આજ કારણોસર અક્ષય તૃતિયાની પહેલા અને આજ દિવસે મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગોનું આયોજન કરવામાં આવશે. આ ત્રણ મહિનામાં લગ્નોની ભરમાર રહેશે.
લગ્ન માટે શુભ મુહૂર્ત પર નજર
એપ્રિલ મહિનામાં 19, 20, 21, 25, 27, 28 અને 19 તારીખે લગ્ન માટે શુભ મુહૂર્ત આવી રહ્યા છે. જે બાદ મે મહિનામાં 1,3,5,6,7,8,13 અને 14 તારીખે લગ્ન મુહુર્ત છે. આવી જ રીતે જૂન મહિનામાં 21, 22, 23, 24, 25,26,27 અને 19 જૂનના રોજ લગ્ન માટેના શુભ સંયોગ બની રહ્યા છે.
