Vadodara: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર અને જાણીતા અગ્રણી પ્રો. ડૉ. ધનેશ પટેલ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. સાયબર ઠગોએ લગ્નની 'ડિજિટલ કંકોત્રી'ના નામે APK ફાઈલ મોકલીને તેમનું વોટ્સએપ એકાઉન્ટ હેક કરી લીધું છે. હેકર્સ દ્વારા હવે તેમના એકાઉન્ટમાંથી તેમના તમામ સંપર્કો અને પરિચિતોને છેતરપિંડી આચરતા મેસેજ અને શંકાસ્પદ ફાઈલો મોકલવામાં આવી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ડૉ. ધનેશ પટેલના વોટ્સએપ એકાઉન્ટ પરથી તેમના સંપર્કોને લગ્નની આમંત્રણ પત્રિકા સાથેનો એક સંદેશ મળ્યો છે. જોકે, આ મેસેજ સાથે જોડાયેલી ફાઈલ .apk ફોર્મેટમાં છે. જ્યારે પણ કોઈ યુઝર લગ્નની આ કંકોત્રી જોવા માટે ફાઈલ પર ક્લિક કરે કે ડાઉનલોડ કરે છે, ત્યારે ફોનમાં રહેલી સિક્યુરિટી સિસ્ટમ એલર્ટ કરે છે.
હકીકતમાં આ ફાઈલ કોઈ ઈન્વિટેશન કાર્ડ નથી પરંતુ એક માલવેર કે વાયરસ છે. જે ઈન્સ્ટોલ થતા જ યુઝરના મોબાઈલનો ડેટા અને વોટ્સએપ એકાઉન્ટનો એક્સેસ હેકર્સના હાથમાં સોંપી દે છે.
આ ઘટનાની જાણ થતાં જ ડૉ. ધનેશ પટેલે તેમના તમામ મિત્રો, સહકર્મીઓ અને સંપર્કોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમના તરફથી વિનંતી કરવામાં આવી છે કે, પ્રો. ધનેશ પટેલના નામથી મળેલા કોઈ પણ મેસેજ, લિંક કે ખાસ કરીને .apk ફાઈલને ખોલવી, ડાઉનલોડ કરવી કે ઈન્સ્ટોલ કરવી નહીં.
ઘણા સંપર્કો દ્વારા ડૉ. ધનેશ પટેલનો સીધો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હેકિંગના કારણે તેમનો ફોન સતત વ્યસ્ત આવી રહ્યો છે. સાયબર ક્રાઈમ શાખાએ પણ આ મામલે ગંભીરતા દાખવતા નાગરિકો માટે જાહેર ચેતવણી આપી છે.
સાયબર નિષ્ણાતો અને પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, ડિજિટલ યુગમાં આમંત્રણો હંમેશા PDF અથવા ઇમેજ (JPG/PNG) ફોર્મેટમાં જ આવે છે. કોઈ પણ સંજોગોમાં સોશિયલ મીડિયા કે મેસેજિંગ એપ પરથી મળતી અજાણી .apk ફાઈલ ડાઉનલોડ કરવી નહીં. સાયબર સુરક્ષાના ભાગરૂપે સીધી પુષ્ટિ ન થાય ત્યાં સુધી આવી શંકાસ્પદ લિંક્સથી દૂર રહેવું જ હિતાવહ છે.
