Gujarat Political Donation Scam: ગુજરાત સીઆઈડી ક્રાઈમની ટીમે બોગસ ડોનેશન કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ મામલે આણંદ સ્થિત સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી (SAP), અમદાવાદ સ્થિત સત્યવાદી રક્ષક પાર્ટી (SRP) અને ગરીબ કલ્યાણ પાર્ટી (GKP) જેવી 3 રાજકીય પાર્ટીઓ વિરુદ્ધ અલગ-અલગ ફરિયાદ દાખલ કરી છે. આ કૌભાંડના કારણે 2022થી 2025 દરમિયાન સરકારી તિજોરીને રૂ. 314 કરોડનું નુકસાન થયું છે.
CID અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ ત્રણેય રાજકીય પાર્ટીઓ દ્વારા કરદાતાઓ પાસેથી ડોનેશનના નામે ફંડ મેળવવામાં આવતું હતુ. જે બાદ પોતાનું કમિશન બાદ કરીને બાકીની રકમ કરદાતાને પરત કરવામાં આવતી હતી. આ માટે અસંખ્ય બોગસ બિલો અને ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી મળેલી ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી છે. જેમાં ત્રણ રાજકીય પાર્ટીઓના હોદ્દેદારો ઉપરાંત કેટલાક ચાર્ટડ એકાઉન્ટ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
માત્ર કમિશન કમાવવાના હેતુથી જ રાજકીય પાર્ટી બનાવી હોવાની કબુલાત
ત્રણેય પાર્ટીના હોદ્દેદારોએ સ્વીકાર્યું છે કે, તેમણે માત્ર કમિશન કમાવવાના હેતુથી ટેક્સ ચોરી કરવા માટે રાજકીય પાર્ટી બનાવી હતી. જો કે આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ નથી કરવામાં આવી.
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દાખલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી (SAP)ના પ્રમુખ સુરેન્દ્ર તિવારી, ટેક્સ કન્સલ્ટન્ટ મેહુલકુમાર ખત્રી અને ચાર્ટડ એકાઉન્ટન્ટ મયુરસિંહ રાઠોડ રૂ. 519 કરોડના બોગસ ડોનેશન અને રૂ. 155 કરોડની ટેક્સ ચોરીમાં સંડોવાયેલા હતા.
બીજી FIRમાં અમદાવાદની નાના ચિલોડા ખાતે ગરીબ કલ્યાણ પાર્ટી (GKP)ના પ્રમુખ, સચિવ, ખજાનચી અને 3 સીએ સહિત 9 લોકોના નામ છે, જેમણે બોગસ ડોનેશન દર્શાવીને 62 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી છે.
જ્યારે ત્રીજી FIR સત્યવાદી રક્ષક પાર્ટીના (SRP) ત્રણ હોદ્દેદારો અને એક એકાઉન્ટ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. જેમના પર રૂ. 124.5 કરોડની હેરાફેરીનો આરોપ છે.
પોલિટિકલ ફંડિંગના નામે દાનની રકમ સ્વીકારીને ખોટા બિલો દર્શાવી ઉપાડી લેવાતી
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, દાનની રકમ ત્રણેય પાર્ટીના બેંક ખાતામાં જમા કરવામાં આવતી હતી. જે બાદ બોગસ બિલો થકી નકલી ખરીદી દર્શાવીને તેમજ ખોટી ખરીદી દર્શાવીને રકમ ઉપાડી લેવામાં આવતી હતી. આ રાજકીય પાર્ટીઓ પોતાનું કમિશન કાપ્યા બાદ બાકીની રકમ કેશબેક સ્વરૂપે દાતાને પરત કરતી હતી.
આ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચ સમક્ષ પોતાને મળેલા દાનના બોગસ અહેવાલો રજૂ કરવા માટે સાંઠગાંઠ કરી હતી. જેના પરિણામે મળેલા દાનના 30 ટકા જેટલી રકમનું સરકારી તિજોરીને આર્થિક નુકસાન થયું છે. આરોપી ચાર્ટડ એકાઉન્ટન્ટે આ પક્ષો ઉપરાંત કેટલીક શેલ કંપનીઓના હિસાબો માટે બોગસ ઓડિટ રિપોર્ટ પણ તૈયાર કર્યા હતા. હાલ આ સમગ્ર મામલે CID ક્રાઈમની ટીમ આગળની તલસ્પર્શી તપાસ કરી રહી છે.
