જંગલ જમીન મુદ્દે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ સરકારને ઘેરી, વનમંત્રી મોઢવાડિયા પર અંગ્રેજોની જેમ આદિવાસી વિરોધી શાસનનો આરોપ

નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડતા આદિવાસીઓની અટકાયત બાદ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ હસ્તક્ષેપ કર્યો. તેમણે પોતાની જ સરકાર અને વનમંત્રી અર્જુન મોઢવાડિયા પર આદિવાસી વિરોધી શાસન ચલાવવાનો આક્ષેપ કર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 26 Sep 2026 08:58 PM (IST)Updated: Sat, 26 Sep 2026 08:58 PM (IST)
narmada-land-dispute-bjp-mp-mansukh-vasava-hits-out-at-minister-arjun-modhwadia

Narmada Land Dispute: નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં જંગલની જમીન ખેડવાના મુદ્દે વનવિભાગ, પોલીસ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે, ત્યારે વાડી-ખેતરોમાં કામ કરી રહેલા ગરીબ આદિવાસીઓને વનવિભાગ અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા તેમના બળદો સાથે ટેમ્પામાં ભરીને જેલહવાલે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ બનાવની જાણ થતાં જ ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમણે કડક વલણ અપનાવી પોલીસ અને વનકર્મીઓની કાર્યવાહી અટકાવીને આદિવાસીઓને અટકાયતમાંથી મુક્ત કરાવ્યા હતા. આ સાથે જ તેમણે પોતાની સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવીને વન મંત્રી અર્જુન મોઢવાડિયા સામે મોરચો માંડ્યો છે.

અંગ્રેજોના સમય જેવું આદિવાસી વિરોધી શાસન

મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે કે, વનમંત્રી અર્જુન મોઢવાડિયાના સીધા આદેશથી જ વનવિભાગે આદિવાસીઓને પકડી લાવવાની કાર્યવાહી કરી હતી. આ શાસન અંગ્રેજોના સમય જેવું આદિવાસી વિરોધી છે. જો મંત્રી માંડવી સુધી આવી શકતા હોય તો તેમણે સાગબારાના આદિવાસીઓની મુલાકાત લઈ તેમની રજૂઆતો પણ સાંભળવી જોઈતી હતી.


સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા સાંસદ વસાવાએ ઉમેર્યું કે, એક બાજુ સરકાર અને મંત્રીઓ આદિવાસી વિસ્તારોમાં 'પારણા' કરાવવાના સરકારી કાર્યક્રમો યોજે છે. બીજી બાજુ આજ મંત્રીના આદેશથી ખેતરોમાંથી ગરીબ આદિવાસીઓની બળજબરીથી અટકાયત કરાય છે.

આદિવાસીઓ સાથે અન્યાય સહેજ પણ સહન નહીં થાય

મનસુખ વસાવાએ સવાલ કર્યો હતો કે, જો ઉમરપાડાના સ્થાનિકોને જમીન ખેડવાનો અધિકાર આપવામાં આવતો હોય તો સાગબારાના આદિવાસીઓને શા માટે તે હકથી વંચિત રાખવામાં આવે છે?

ફોરેસ્ટ વિભાગ દ્વારા ભય અને ડરનો માહોલ ઊભો કરીને આદિવાસીઓનું ઉત્પીડન કરવામાં આવી રહ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે એક જનપ્રતિનિધિ તરીકે તેઓ આદિવાસીઓ પર થતો આ અન્યાય અને અત્યાચાર કોઈ પણ ભોગે સહન નહીં કરે.