વડોદરામાં દહેજ ભૂખ્યા સાસરિયાઓનો ત્રાસઃ બાળકીના જન્મ બાદ મેણાથી કંટાળી ફિનાઈલ પીને નસ કાપનાર પરિણીતાનું મોત

વડોદરામાં દહેજની માંગણી અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ ફિનાઈલ પીને નસ કાપી આત્મહત્યા કરી લીધી. સારવાર દરમિયાન તેનું મોત થતાં પોલીસે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ દહેજ ઉત્પીડન અને આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 26 Sep 2026 07:31 PM (IST)Updated: Sat, 26 Sep 2026 07:31 PM (IST)
vadodara-news-harassed-over-dowry-after-giving-birth-to-baby-girl-woman-dies-after-drinking-phenyl-and-cutting-wrist

Vadodara Dowry Harassment Suicide: વડોદરામાં દહેજની માગણી અને સાસરીયાઓના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને એક માસૂમ પરિણીતાએ ફિનાઇલ પીધા બાદ હાથની નસ કાપી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગંભીર હાલતમાં સવિતા હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ રહેલી પરિણીતાનું અંતે મોત નીપજતાં પોલીસે પતિ, સાસુ અને સસરા સામે આત્મહત્યા માટે મજબૂર કરવાનો અને દહેજ ઉત્પીડનનો ગુનો નોંધ્યો છે. 

કચ્છના દેશલપુર ગામે રહેતા સચિન સોનીની બહેન કોમલના લગ્ન 28 જાન્યુઆરી 2023ના રોજ વડોદરાના આકાશ જયપ્રકાશ કંસારા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને દીકરી દિવિશાનો જન્મ થયો હતો. જો કે બાળકીના જન્મ બાદથી જ સાસરીયાઓ ખુશ ન હતા અને કોમલને વારંવાર મેણા-ટોણા મારતા હતા.

સસરા પરિણીતાના પિતાને હાર્ટ એટેક લાવી દેવાની ધમકી આપતા

'છોકરીનો ખર્ચ કોણ ઉપાડશે?' તેમ કહીને પિયરમાંથી રૂ. 10 લાખ લાવી આપવા માટે સતત દબાણ અને મારઝૂડ કરવામાં આવતી હતી. આ સિવાય ઘરમાં નાની-મોટી બાબતો જેવી કે બાથરૂમ રિપેરિંગ અને મોબાઈલ રિપેર કરાવવા અંગે પણ ઝઘડા કરી સસરા દ્વારા પિયર મોકલી દેવાની તેમજ પિતાને હાર્ટએટેક લાવી દેવાની ધમકીઓ અપાતી હતી.

ગત 15 સપ્ટેમ્બરના રોજ ગર્ભવતી હોવાની શક્યતા અને પતિ સાથે બોલાચાલી થવાના કારણે અતિશય તણાવમાં આવેલી કોમલે વડોદરા સ્થિત ઘરે ફિનાઇલ પી લીધું હતું અને ડાબા હાથની નસ કાપી નાખી હતી. પરિવારે વડોદરા દોડી આવી તેને સવિતા હોસ્પિટલમાં દાખલ કરી હતી.

શરૂઆતમાં ઘરસંસાર ન બગડે તે માટે પરિવારે પોલીસ ફરિયાદ કરી ન હતી, પરંતુ 24 સપ્ટેમ્બરની રાત્રે સારવાર દરમિયાન કોમલનું કરુણ મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના ભાઈ સચિન સોનીએ પતિ આકાશકુમાર, સસરા જયપ્રકાશ કંસારા અને સાસુ અનિલાબેન કંસારા સામે રૂ. 10 લાખના દહેજની માગ, માનસિક-શારીરિક ત્રાસ, ધમકીઓ અને આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ આગળની કાનૂની તપાસ તેજ કરી છે.