ચોમાસાની વિદાય વચ્ચે નર્મદા ડેમમાં 'ભરપૂર' પાણી, ગુજરાત માટે આવ્યા મોટા રાહતના સમાચાર, જાણો

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 138.48 મીટરે પહોંચી, મહત્તમ સપાટીથી માત્ર કેટલી દૂર જાણો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 25 Sep 2026 11:05 AM (IST)Updated: Fri, 25 Sep 2026 11:05 AM (IST)
narmada-dam-water-level-full-capacity-gujarat-relief

Narmada Dam Water Level: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ચોમાસાની વિદાયના તબક્કામાં પૂર્ણ સપાટીએ ભરાઈ જવાની તૈયારીમાં છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં ડેમની જળસપાટી 138.48 મીટર પર પહોંચી ગઈ છે, જે તેની મહત્તમ જળસપાટી (138.68 મીટર)થી માત્ર 19 સેન્ટીમીટર જ દૂર છે. નર્મદા બેસિન અને ઉપરવાસમાં થયેલા સાર્વત્રિક વરસાદના કારણે ડેમમાં સતત પાણીની આવક થતાં જળસંપત્તિ વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ, ગુરુવારે નર્મદા ડેમમાં પાણીની સરેરાશ આવક 6,518 ક્યુસેક નોંધાઈ છે. જોકે, છેલ્લા કેટલાક કલાકોની સરેરાશ આવક વર્તમાન આવક કરતાં નોંધપાત્ર રીતે વધુ રહી છે. ઉપરવાસમાંથી સતત વહી આવતા પાણીના કારણે આગામી એક-બે દિવસમાં જ સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ ક્ષમતા સાથે સંપૂર્ણ ભરાઈ જવાની શક્યતા સેવાય રહી છે.

પાવર હાઉસ અને કેનાલ દ્વારા પાણીનો નિકાલ

ડેમની જળસપાટી અને જળસંગ્રહની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલમાં કેનાલ હેડ પાવર હાઉસ (CHPH) કાર્યરત રાખવામાં આવ્યું છે, જેમાંથી આશરે 9,022 ક્યુસેક પાણી નર્મદાની મુખ્ય કેનાલ તરફ છોડવામાં આવી રહ્યું છે. આ પાણીનો ઉપયોગ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે થશે. બીજી તરફ, રિવર બેડ પાવર હાઉસ (RBPH) હાલ પૂરતું બંધ રાખવામાં આવ્યું હોવાથી નર્મદા નદીના પટમાં કોઈ પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું નથી.

રાજ્ય માટે રાહતના સમાચાર

સરદાર સરોવર ડેમમાં હાલમાં વિપુલ પ્રમાણમાં જીવંત જળસંગ્રહ ઉપલબ્ધ છે. ડેમ સંપૂર્ણ ક્ષમતા સુધી ભરાઈ જવાથી આવનારા વર્ષ માટે ગુજરાતમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની કોઈ અછત સર્જાશે નહીં. તંત્ર દ્વારા પાણીની આવક, પાવર હાઉસ મારફતે થતો નિકાલ અને ડેમના દરવાજાની પરિસ્થિતિ પર સતત 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. ડેમ પૂર્ણ સપાટીએ પહોંચવાની તૈયારીમાં હોવાથી રાજ્યભરમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.