Vadodara: વડોદરાના જાણીતા રણજી ટ્રોફી ખેલાડી અને IPLમાં મુંબઈ ઇન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા શિવાલીક શર્મા માટે કાનૂની ક્ષેત્રે રાહતના સમાચાર આવ્યા છે. શિવાલિક સામે પૂર્વ મંગેતરે નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદને રાજસ્થાન હાઈકોર્ટે રદ્દ કરવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે. આ આદેશ સાથે જ ક્રિકેટર સામે ચાલતી તમામ ફોજદારી કાનૂની પ્રક્રિયાઓનો સત્તાવાર અંત આવ્યો છે.
આ કેસની વિગત મુજબ, વર્ષ 2023માં એક યુવતી વડોદરા પ્રવાસે આવી, ત્યારે શિવાલીક સાથે તેનો પરિચય થયો હતો. સમય જતાં આ દોસ્તી પ્રેમમાં પરિણમી હતી અને ઓગસ્ટ 2023માં બંને પરિવારજનોની હાજરીમાં વિધિવત સગાઈ સંપન્ન થઈ હતી. સગાઈ બાદ બંને વચ્ચે પરસ્પર સંમતિથી શારીરિક સંબંધો સ્થપાયા હતા.
જો કે કાળક્રમે અંગત મતભેદોને કારણે સગાઈ ફોક થઈ હતી. જેથી યુવતીએ જોધપુરના કુડી ભગતસુની હાઉસિંગ બોર્ડ પોલીસ સ્ટેશનમાં શિવાલીક સામે લગ્નની ખોટી લાલચ આપીને દુષ્કર્મ આચરવાનો આરોપ મૂકી કેસ દાખલ કરાવ્યો હતો.
આ મામલે સુનાવણી કરતા હાઈકોર્ટે અગત્યનું અવલોકન કર્યું કે, બે શિક્ષિત અને પુખ્ત વયના વ્યક્તિઓ વચ્ચે પરિવારની મંજૂરીથી સગાઈ થઈ હોય અને ત્યારબાદ સ્વૈચ્છિક સંબંધ બંધાયા હોય, તો પાછળથી સંબંધોમાં કડવાશ આવવા કે સગાઈ તૂટી જવા માત્રથી તેને દુષ્કર્મનો ગુનો ગણી શકાય નહીં.
સુનાવણી દરમિયાન શિવાલીકના સિનિયર એડવોકેટે દલીલ કરી હતી કે, સગાઈ તૂટ્યા બાદ પણ બંને વચ્ચે લાંબા સમય સુધી વોટ્સએપ પર સામાન્ય વાતચીત અને આર્થિક લેવડ-દેવડ ચાલુ હતી. આથી લગ્નની ખોટી લાલચ આપીને સંબંધ બાંધ્યા હોવાનો દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો ઠરે છે. અદાલતે આ તમામ દલીલોને ગ્રાહ્ય રાખીને FIR અને તેને સંબંધિત કાનૂની કાર્યવાહી રદ્દ કરી હતી.
વર્ષ 2018-19માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કરનાર શિવાલીકે રણજી ટ્રોફીમાં વડોદરા તરફથી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેના આધારે વર્ષ 2024ની IPL હરાજીમાં મુંબઈ ઇન્ડિયન્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણાયક ચુકાદાથી યુવા ક્રિકેટરના સ્પોર્ટ્સ કરિયર પર છવાયેલા કાનૂની વાદળો હવે સંપૂર્ણપણે હટી ગયા છે.
