Vadodara News: વડોદરાના જામ્બુવા ગામ નજીક નદીના પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક ટ્રક ફસાઈ જતાં જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે જીવ બચાવવા માટે ટ્રકની ઉપર ચડી ગયા હતા. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
હાઇવે પર ભારે ટ્રાફિકને કારણે કેટલાક વાહનચાલકો વિકલ્પ માર્ગ તરીકે જામ્બુવા ગામના બ્રિજ પરથી અવરજવર કરે છે. આવી જ કોશિશમાં એક ટ્રક ચાલકે નદીમાં પાણી ઓછું હોવાનું માનીને ટ્રક પાણીમાં ઉતારી દીધી હતી. પરંતુ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ હોવાને કારણે ટ્રક મધ્યમાં જ અટકી ગઈ હતી. ટ્રક આગળ વધી ન શકતાં ડ્રાઈવર અને ક્લીનરે તાત્કાલિક ટ્રકની છત પર ચડીને જીવ બચાવ્યો હતો.

સ્થળ પર હાજર લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ટીમ તાત્કાલિક પહોંચી અને જોખમભર્યું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. મગરોના ભય અને ઉફાન ભરેલા પ્રવાહ વચ્ચે ફાયર બ્રિગેડના જવાનોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અંતે લગભગ એક કલાકની મહેનત બાદ ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને સલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ટ્રક ડ્રાઈવર સુરેશભાઈએ જણાવ્યું હતું કે, અમે પોરથી ગાડીમાં ડીઝલ ભરાવીને લઇ જઈ રહ્યા હતા. પાણી ઓછું હોવાનું લાગતા ટ્રક પાણીમાં ઉતારી હતી, પરંતુ ધસમસતા પ્રવાહમાં ટ્રક ફસાઈ ગઈ.
આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે પૂર જેવી પરિસ્થિતિમાં જોખમ લઈ વિકલ્પ માર્ગ અપનાવવો જીવલેણ સાબિત થઈ શકે છે. હાલ બંને વ્યક્તિઓ સુરક્ષિત છે, પરંતુ ટ્રકને ભારે નુકસાન થયું છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને પૂર વિસ્તારમાં ન જવા અનુરોધ કરવામાં આવ્યો છે.