Vadodara: વડોદરામાં આજે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવતા કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. દિવસભરના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સાંજના સમયે આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. તેજ ગતિએ ફૂંકાયેલા પવનને કારણે સમગ્ર શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. જે બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ આવું વાતાવરણ રહેવાની શક્યતા છે.
વિઝિબિલિટી ઘટી જતાં વાહન ચાલકોને હાલાકી
આ પણ વાંચો
સાંજના સમયે જ્યારે લોકો નોકરી-ધંધા પરથી પરત ફરી રહ્યા હતા, ત્યારે જ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું હતું. શહેરના અકોટા, કારેલીબાગ, પાણીગેટ, રાવપુરા અને ફતેગંજ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.
પવનની ગતિ એટલી તીવ્ર હતી કે રસ્તાઓ પર વિઝિબિલિટી નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ભારે પવનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજ લાઈનોમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વીજળી ગુલ થઈ જતા વેપારીઓ અને રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. MGVCLની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ આ કમોસમી વરસાદ ખેતી માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહ્યો છે. અત્યારે આંબા પર કેરી બેસવાની સિઝન છે, ત્યારે ભારે પવન સાથે વરસાદથી કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. આવી જ રીતે બાજરી, મગ અને શાકભાજી જેવા ઉનાળુ પાકોમાં પણ નુકસાનની શક્યતાને પગલે ધરતીપુત્રો ચિંતામાં ગરકાવ થયા છે.
વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થતા ગરમીથી રાહત મળી છે, પરંતુ ભેજનું પ્રમાણ વધવાની શક્યતા છે. વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં પવનને કારણે હોર્ડિંગ્સ અને ઝાડની ડાળીઓ પડવાના બનાવો પણ સામે આવ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ટ્રફને કારણે આગામી 48 કલાક દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે.
