Ahmedabad: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના હવામાનમાં નાટ્યાત્મક પલટો આવ્યો છે. જેમાં ભર ઉનાળે આજે ગુજરાતના અનેક ભાગોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવન અને કરાં સાથે તૂટી પડેલા વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત દ્વારા ધરતી પુત્રોને રાહત આપે તેવી આગાહી કરવામાં આવી છે.
20 માર્ચે સાંજ સુધીમાં માવઠામાંથી સંપૂર્ણ મુક્તિ મળી જશે
આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે પાકિસ્તાન તરફથી આવેલી હવામાનની અસ્થિરતાં કચ્છના માર્ગે સમગ્ર ગુજરાત ઉપર છવાયેલી છે. જેના કારણે આજે દિવસ દરમિયાન વાદળ છાયું વાતાવરણ રહ્યું હતુ અને બપોર પછી ઘણાં ભાગોમાં આંધી-વંટોળ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
ખાસ રાહતની વાત એ છે કે, આગામી 24 કલાગમાં આ સિસ્ટમ ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી જશે. જેના કારણે આવતીકાલે એટલે કે 20 માર્ચથી માવઠાની તીવ્રતામાં મોટો ઘટાડો થશે. આવતીકાલે માત્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારોમાં જ છૂટાછવાયા ઝાપટાંની શક્યતા રહેશે, જ્યારે સાંજ સુધીમાં માવઠામાંથી સંપૂર્ણ મુક્તિ મળી શકે છે
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આવતીકાલે ભલે આપણને માવઠામાંથી મુક્તિ મળી જાય, પરંતુ વાદળછાયું વાતાવરણ હજુ લાંબા સમય સુધી રહી છે. આગામી 30 માર્ચ સુધી ગુજરાતના 50 ટકાથી વધુ ભાગોમાં આકાશમાં વાદળ છવાયેલા રહી શકે છે.
જો તાપમાનની વાત કરીએ તો, આ માવઠાના કારણે ગુજરાતમાં તાપમાનનો પારો નીચે ગયો છે અને ઠંડક પ્રસરી ગઈ છે. આગામી દિવસોમાં પણ તાપમાન 32 થી 36 ડિગ્રીની રેન્જમાં જ રહી શકે છે. જ્યારે પવનની ગતિ સામાન્ય રીતે 12 થી 14 ની આસપાસ રહેશે, પરંતુ જ્યાં ગાજવીજ સાથે વરસાદ પડશે, ત્યાં પવનની ઝડપમાં વધારો જોવા મળી શકે છે
