Rajkot: રાજકોટ જિલ્લામાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ગાજવીજ સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે (માવઠું) ખેડૂતોની કમર તોડી નાખી છે. રાજકોટના મુખ્ય બેડી માર્કેટિંગ યાર્ડ અને જેતપુર માર્કેટિંગ યાર્ડમાં આકાશી આફત ઉતરી હોય તેમ ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે.
રાજકોટના બેડી યાર્ડમાં વરસાદી પાણી ભરાતા ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. યાર્ડમાં રાખવામાં આવેલી મગફળીની બોરીઓ અને ખુલ્લો જથ્થો પાણીમાં તરતો નજરે પડ્યો હતો.
આ પણ વાંચો
અચાનક આવેલા વરસાદને કારણે ખેડૂતો કે વેપારીઓને માલ ઢાંકવાનો સમય પણ મળ્યો ન હતો, જેના કારણે મોટા પ્રમાણમાં મગફળી ભીંજાઈ ગઈ છે. આ આર્થિક ફટકાથી ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
બીજી તરફ જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પણ માવઠાનો કહેર જોવા મળ્યો હતો. અહીં ખુલ્લામાં પડેલી મરચાની અનેક ભરીઓ પલળી ગઈ હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, સેડની અંદર રહેલો પાક પણ પવન અને જોરદાર વરસાદને કારણે સુરક્ષિત રહ્યો ન હતો. સેડમાં રહેલી અમુક બોરીઓ પણ પલળી જતા લાલ મરચાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
સિઝન દરમિયાન લોહી-પરસેવો પાડીને પકવેલો પાક જ્યારે નજર સામે બગડતો જોયો, ત્યારે અનેક ખેડૂતોની આંખોમાં આંસુ આવી ગયા હતા. વેપારીઓના મતે, પાક પલળી જવાથી હવે તેના યોગ્ય ભાવ મળવા મુશ્કેલ છે, જેની સીધી અસર બજાર અને ખેડૂતોના ખિસ્સા પર પડશે.
