ગુજરાતના 36 તાલુકામાં માવઠાનો મારઃ ભેંસાણમાં કરાં સાથે સવા ઈંચથી વધુ વરસાદ, ભારે પવન ફૂંકાતા આંબા પરથી કેરીઓ ખરી પડી

આજે આખા દિવસ દરમિયાન અમરેલીના બગસરામાં 22 મિ.મી, રાજકોટના ધોરાજી અને દેવભૂમિ-દ્વારકાના ઓખામાં 20-20 મિ.મી વરસાદ પડ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 19 Mar 2026 08:21 PM (IST)Updated: Thu, 19 Mar 2026 08:21 PM (IST)
junagadh-news-unseasonal-rain-hits-36-talukas-of-gujarat-mango-crops-affected-in-bhensan
HIGHLIGHTS
  • રાજકોટ અને ભેંસાણમાં બે કલાકમાં 35 મિ.મી વરસાદ વરસ્યો

Junagadh: હવામાન વિભાગ દ્વારા આગામી 21 માર્ચ સુધી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે વહેલી સવારથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. જો કે બપોર પછી ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં તોફાની પવન ફૂંકાવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ કરીને જૂનાગઢના ભેંસાણ અને રાજકોટ શહેરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.

36 તાલુકામાં કમોસમી વરસાદ, રાજકોટ-જૂનાગઢમાં 35 મિ.મી વરસ્યો

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે આખા દિવસ દરમિયાન ગુજરાતના 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી રાજકોટ શહેર અને જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં સૌથી વધુ 35 મિ.મી (1.38 ઈંચ) ધોધમાર વરસાદ વરસ્યો છે.

આ સિવાય અન્ય તાલુકામાં જોઈએ તો, અમરેલીના બગસરામાં 22 મિ.મી, રાજકોટના ધોરાજી અને દેવભૂમિ-દ્વારકાના ઓખામાં 20-20 મિ.મી વરસાદ નોંધાયો છે. તેમજ રાજકોટના ઉપલેટામાં 17 મિ.મી, લોધિકામાં 16 મિ.મી અને કચ્છના મુન્દ્રા અને જામનગરના લાલપુરમાં 16-16 મિ.મી વરસાદ પડ્યો છે.

ભેંસાણમાં પાક નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ઉચાટ

ભેંસાણ તાલુકામાં બપોરે 4 થી 6 વાગ્યાના સમયગાળામાં જ કરાં અને ભારે પવન સાથે સવા ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. અચાનક હવામાનમાં પલટાના કારણે ગરમીમાં ભલે રાહત મળી હોય, પરંતુ માવઠું ખેડૂતો માટે મુસીબત લઈને આવ્યું છે. હકીકતમાં અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે એકદમ તોફાની પવન ફૂંકાવાના કારણે આંબાના ઝાડ પરથી નાની કેરીઓ ખરી પડી હતી. આ ઉપરાંત ખેતરમાં ઉભા પાકને પણ નુકસાનની ભીતિને પગલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે.