Surat: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કંટવા ગામ નજીકથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની મુખ્ય નહેરમાં આજે વહેલી સવારે પાંચ મીટર જેટલું મોટું ગાબડું પડતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કેનાલમાં પડેલા આ ભંગાણને કારણે લાખો લિટર પાણીનો વ્યય થયો છે અને આસપાસના નીચાણવાળા વિસ્તારો તેમજ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેને પગલે ખેડૂતોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
આ અંગે કોસંબા સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર એમ.ઝેડ. બોઘરાના જણાવ્યા અનુસાર, કંટવા ગામની સીમમાં 25.680 કિમી ચેનેજ પર કેનાલ સાઇફનના જોઈન્ટમાંથી પાઇપિંગ (લીકેજ) થવાને કારણે આ 5 મીટરનું ગાબડું પડ્યું હતું. કેનાલમાંથી વહી રહેલું પાણી વરણ ખાડીમાં થઈને કંટવા, મોટી પારડી અને સિયાલજ જેવા ગામોના સીમ વિસ્તારમાંથી પસાર થઈ કીમ નદીમાં જઈ રહ્યું છે.
આ ઘટનાની જાણ થતા જ સિંચાઈ વિભાગ દ્વારા વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ મેઈન કેનાલના હેડ રેગ્યુલેટર (HR) પરથી પાણીનો પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં નહેરમાં પાણીનો પ્રવાહ ઓછો થવાની રાહ જોવાઈ રહી છે, ત્યારબાદ યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ કેનાલનું અસ્તરકામ વર્ષ 2013માં થયું હતું. હાલમાં પાણી બંધ કરી દેવાયું છે અને આગામી 3 દિવસમાં સમારકામ પૂર્ણ કરી ફરીથી ખેડૂતોને પાણી આપવામાં આવશે. નુકસાન પામેલા ખેતીના પાકનો સર્વે કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
