Vadodara: દેશભરમાં 1 થી 31 જાન્યુઆરી દરમિયાન નેશનલ રોડ સેફ્ટી મંથ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવાનો અને લોકોમાં રોડ સુરક્ષા અંગે જવાબદારીની ભાવના વિકસિત કરવાનો છે. ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં લાખો લોકો જીવ ગુમાવે છે.
નિષ્ણાંતોના મતે, જો અકસ્માતગ્રસ્ત વ્યક્તિને ગોલ્ડન અવર એટલે કે પ્રથમ એક કલાકમાં યોગ્ય સારવાર મળે અને પરિવારજનોને તાત્કાલિક જાણ થાય, તો અનેક કિંમતી જીવ બચી શકે. આજ સંવેદનશીલ હેતુને કેન્દ્રમાં રાખીને વડોદરા શહેરના યુવા ઉદ્યોગ સાહસિક ડૉ. યજ્ઞ પંડિતે માર્ગ સુરક્ષામાં ડિજિટલ ક્રાંતિ લાવતી ‘લાઈફ સેવર-એચઆઈ’ (LifeSaver-HI) એપ વિકસાવી છે.
આ અંગે હાલ ટેક્સાસમાં માસ્ટર્સ કરી રહેલા ડૉ. યજ્ઞ પંડિતે જણાવ્યું કે, મજબૂત વિઝન અને યોગ્ય માર્ગદર્શન વિના કોઈ સ્ટાર્ટઅપ સફળ થતું નથી. તેમને આ પ્રોજેક્ટ માટે મેન્ટર ડૉ. નીરજ પંડિતનું માર્ગદર્શન મળ્યું હતું. આ પહેલને ગુજરાત સરકાર અને સુમનદીપ વિદ્યાપીઠના SSIP સેલ દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
લાઈફ સેવર-એચઆઈ એપ માત્ર અકસ્માત સુધી સીમિત નથી. નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલ વાહન ટોઇંગ થતું હોય, વાહનની હેડલાઈટ કે કાચ ખુલ્લાં રહી ગયા હોય અથવા વાહન સાથે છેડછાડ થતી હોય, ત્યારે પણ આ ટેકનોલોજી મદદરૂપ સાબિત થાય છે. અત્યાર સુધી સવાસોથી વધુ લોકોએ આ સેવાનો લાભ લીધો છે.
રજિસ્ટ્રેશન બાદ QR કોડ પોસ્ટ દ્વારા ઘરે મોકલવામાં આવશે
આ એપ સામાન્ય લોકો સરળતાથી ઉપયોગ કરી શકે તે રીતે ડિઝાઇન કરાઈ છે. વાહન માલિક લાઈફ સેવર-એચઆઈની વેબસાઇટ પર જઈ પોતાના વાહનની વિગતો તથા પરિવારના બે વિશ્વસનીય સભ્યોના સંપર્ક નંબર નોંધાવી શકે છે. નોંધણી બાદ વિશિષ્ટ QR કોડ પોસ્ટ દ્વારા ઘર પર મોકલવામાં આવે છે, જેને વાહનના આગળ અને પાછળ લગાવવામાં આવે છે.
અકસ્માત કે તાત્કાલિક પરિસ્થિતિમાં કોઈ પણ રાહદારી સ્માર્ટફોનના ગૂગલ લેન્સથી QR કોડ સ્કેન કરી શકે છે. કોઈ અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. સ્કેન થતાં જ પરિવારજનોને ગૂગલ મેપ લોકેશન, ફોટો અને સ્કેન કરનારનો મોબાઈલ નંબર વોટ્સએપ, એસએમએસ અને ઈ-મેઈલ દ્વારા તરત પહોંચે છે. ખાસ વાત એ છે કે સ્કેન કરનારને વાહન માલિકની કોઈ વ્યક્તિગત માહિતી દેખાતી નથી, જેથી ડેટા પ્રાઈવસી સંપૂર્ણ રીતે જળવાઈ રહે છે. સ્માર્ટફોનનો ઉપયોગ જો માનવજીવન બચાવવા થાય, તો તેનાથી મોટી સેવા બીજી કોઈ નથી લાઈફ સેવર-એચઆઈ એપ તેનું જીવંત ઉદાહરણ બની છે.
