Surat: રોનક વધારતી આલીશાન ઈમારતોનું સર્જન કરનારા ‘કડિયા’ અને ‘શ્રમિકો’ને પૌષ્ટિક આહારની ખાસ જરૂરિયાત હોય છે. બીજાના સપનાના મહેલ બનાવતા આ શ્રમિકોના સ્વાસ્થ્યની દરકાર કરીને રાજય સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડે એક ઉમદા બીડું ઝડપ્યું છે.
કોરોના કાળમાં થોડો સમય થંભી ગયેલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ 2023થી નવા જોમ સાથે સુરત સહિત સમગ્ર રાજ્યમાં શરૂ છે, જે આજે લાખો શ્રમિકો માટે માત્ર યોજના નહીં, પણ એક આશીર્વાદ સમાન સાબિત થઈ છે.
વડાપાઉં કરતા સસ્તું, પણ પોષણમાં શ્રેષ્ઠ આજના જમાનામાં જ્યારે બજારમાં એક સામાન્ય વડાપાઉં માટે 20 થી 25 રૂપિયા ચૂકવવા પડે છે, ત્યારે આ યોજના હેઠળ સરકાર શ્રમિકોને માત્ર 5 રૂપિયાના ટોકન દરે ગરમાગરમ અને સાત્વિક ભોજન પૂરું પાડે છે. આ ભોજન માત્ર પેટ ભરવાનું સાધન નથી, પણ શ્રમિકોના શરીરને જરૂરી પોષણ આપતો સ્ત્રોત છે.
દર સોમવારે 'સુખડી' પર પીરસવામાં આવે છે
વહેલી સવારે કડીયા નાકાઓ પર એક થાળીમાં અંદાજે 625 ગ્રામ વજન અને 1525 કેલરી ધરાવતું સંતુલિત ભોજન પીરસાય છે. થાળીમાં રોટલી, લીલું શાક, કઠોળ, ભાત શક્તિવર્ધક અથાણાંનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, શ્રમિકોના પરિશ્રમમાં થોડી મીઠાશ ભળે તે માટે દર સોમવારે ‘સુખડી’ જેવું મિષ્ટાન્ન પણ પીરસવામાં આવે છે.
ટેકનોલોજી અને સંવેદનાનો સુમેળ સરકારની આ કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે ટેકનોલોજીનો સુપેરે ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ‘ઈ-નિર્માણ પોર્ટલ’ પર નોંધાયેલા શ્રમિકો તેમના ‘ઈ-નિર્માણ કાર્ડ’ બતાવીને ગૌરવભેર ભોજન મેળવી શકે છે. બુથ પર રહેલા કર્મચારીઓ ટેબ્લેટ દ્વારા ઓનલાઈન નોંધણી કરી લાભાર્થીને રસીદ આપે છે, જેથી યોજનાનો લાભ સાચા વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત થાય છે.
પરિવારના સભ્યો માટે રાહત દરે ટિફિન લઈ જવાની સુવિધા
શ્રમિકની સાથે પરિવારની પણ ચિંતા ‘શ્રમેવ જયતે’ના મંત્રને સાર્થક કરતી આ યોજનામાં સરકારે અત્યંત સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે. એક શ્રમિક પોતાના પરિવારના અન્ય 6 સભ્યો માટે પણ આ જ રાહત દરે ટિફિન અથવા ભોજન લઈ જઈ શકે છે. આ ઉપરાંત, જ્યાં બાંધકામ સાઈટ પર ૫૦થી વધુ શ્રમિકો કાર્યરત હોય, ત્યાં તેમના કામના સ્થળે જ વાહન દ્વારા ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરી શ્રમિકોનો કિંમતી સમય અને શક્તિ બચાવવાનો પ્રયાસ થયો છે.
યોજનાની સફળતાની સાક્ષી તેની લોકપ્રિયતા અને સ્વીકૃતિનો અંદાજ લાભાર્થીઓના આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ આવે છે. સુરત શહેર-જિલ્લાના ૪૦ કડીયાનાકાઓ પર દૈનિક ચારથી પાંચ હજાર શ્રમિકો ભોજનનો સ્વાદ માણે છે.
વર્ષ 2023-24માં કુલ 11,26,490 શ્રમિકોએ આ ભોજનનો લાભ લીધો હતો. વર્ષ 2024-25માં આ આંકડો વધીને 13,63,739 સુધી પહોંચ્યો હતો. આ સેવાયજ્ઞ અવિરત ચાલુ રહ્યો છે, જેના ફળસ્વરૂપે વર્તમાન નાણાકીય વર્ષ 2024-26માં 12,19,010 લાભાર્થીઓએ પૌષ્ટિક આહાર મેળવીને તૃપ્તિનો ઓડકાર લીધો છે.
રાજસ્થાનના પ્રતાપગઢના રમેશભાઈ કહે છે કે, હું અહી રોજ ભોજન લઉ છે. આ ભોજન ધણું સ્વાદિષ્ટ અને સારૂ હોય છે. અમારા જેવા ગરીબ શ્રમિકોને રોજ ભોજન આપવા બદલ સરકારનો આભાર માન્યો હતો.
શહેરના આઝાદનગર ખાતે રહીને કડીયાકામ કરતા રાજેન્દ્રભાઈ કહે છે કે, અહી માત્ર રૂા.૫માં ભોજન મળે છે જે અમારા જેવા ગરીબ લોકો માટે ધણું સારૂ છે. ભોજનની ગુણવત્તા પણ સારી છે જેથી હું રોજ સવારે ભોજનનો સ્વાદ માણું છું.
હાલમાં સુરત શહેરના 36 તથા ચાર જિલ્લાના મળી કુલ 40 કડીયાનાકાઓ અને સમગ્ર રાજ્યમાં 291 જેટલા કડિયાનાકાઓ પર આ અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે. ખરા અર્થમાં, ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ એ પરસેવો પાડતા શ્રમિકોના સ્વાસ્થ્ય અને સન્માનની રક્ષક બની છે.
