Vadodara: વડોદરા તાલુકાના પોર ગામ નજીકની સોસાયટીમાં રહેતી એક મહિલા પાડોશીના અપશબ્દોથી માનસિક આઘાતમાં સરી પડી હતી. ડિપ્રેશનમાં સરી પડેલી મહિલાએ છેલ્લા 15 દિવસથી વાતચીત બંધ કરી દીધી હતી. તેમજ એક સપ્તાહથી જમવાનું પણ છોડી દીધુ હતુ. આખરે મહિલાના પતિએ 181અભયમ હેલ્પલાઈનની મદદ લીધી હતી.
મહિલાના પતિનો કોલ મળતા અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જ્યાં મહિલાની સ્થિતિ જોયા બાદ તેને પ્રથમ આશ્વાસન આપ્યું હતું અને શાંતિથી સમજાવતાં તેના આંસુ રોક્યા હતા. જે બાદ મહિલાને નાસ્તો કરાવી શારીરિક અને માનસિક રીતે સ્થિર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મહિલાનો 20 વર્ષનો દીકરો પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધમાં છે. આ બાબતે વાતચીત કરવા માટે પાડોશી મહિલાએ બોલાવ્યા હતા. જેથી આ મહિલા પહોંચતા ત્યાં ઉપસ્થિત ત્રણેક લોકોએ ગાળો ભાંડીને તેનું અપમાન કર્યું હતુ.જેના પગલે મહિલાને ભારે આઘાત લાગ્યો હતો.
અભયમની ટીમે મહિલાને સમજાવ્યું હતું કે, વ્યક્તિગત અથવા જૂથના ઝઘડાઓ મનમાં રાખવાથી પરિવારનું સુખ શાંતિ ખોરવાય છે. નાની નાની બાબતોને મન પર લેતાં આરોગ્ય પર પણ અસર થાય છે અને પરિવારની જવાબદારીઓ પૂરી કરવી મુશ્કેલ બને છે. દીકરી નાની હોવાથી તેની સંભાળ રાખવી જરૂરી છે, એ બાબતે ખાસ ભાર મૂકાયો હતો.
વિસ્તૃત કાઉન્સેલિંગ બાદ મહિલા આઘાતમાંથી બહાર આવી. તેમણે બાહેંધરી લખાણ આપીને ભવિષ્યમાં પોતાની જાતને નુકસાન નહીં પહોંચાડવાની અને શાંતિથી પરિવાર સાથે રહેવાની ખાતરી આપી હતી. 181 અભયમની ટીમના પ્રયાસોથી એક પરિવાર ફરી સામાન્ય જીવન તરફ વળ્યો છે.
