Rajkot: રાજકોટમાં રહેતી પરિણીતા પડધરીના સરપદળ ગામે ભાઈને રાખડી બાંધી પુત્રના બાઈક પાછળ પૌત્ર સાથે પરત ફરતી હતી. ત્યારે ન્યારા ગામ પાસે અજાણ્યા સ્કૂટર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા રંજનબેન પ્રવિણભાઈ વઢવાણીયા (ઉ.વ.42) દોઢ વર્ષના પૌત્ર મીત સાથે પુત્ર દિલીપ વઢવાણીયા (19)ના બાઈક પાછળ બેસી ત્રણ દિવસ પહેલા પડધરીના ન્યારા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા.
આ પણ વાંચો
આ સમયે અજાણ્યા સ્કૂટર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માસૂમ બાળક સહિત ત્રણેયને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલી રંજનબેન વઢવાણીયાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક તપાસમાં રંજનબેન શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેને સંતાનમાં ચાર પુત્ર અને બે પુત્રી છે. રંજનબેન સરપદળ ગામે ભાઈને રાખડી બાંધવા ગયા હતા અને ત્યાંથી પૌત્રને સાથે લઈ પુત્રના બાઈક પાછળ બેસી ઘરે પરત આવતા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાથી જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
