Rajkot News: રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાના ગોંડલધાર ગામે કુવામાંથી માતા-પુત્રીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડની ટીમે માતા-પુત્રીના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. આ બનાવ અકસ્માત છે કે આપઘાતનો મામલો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના ગોંડલધાર ગામે રહેતા 26 વર્ષીય ભારતીબેન સાગરભાઈ ડાભી અને તેની એક વર્ષની પુત્રી જેનીશાના મૃતદેહ વાડીના કુવામાં તરતા હોવાની જાણ પોલીસ વિભાગને થઈ હતી. જેના પગલે પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો.
ફાયર બ્રિગેડની ટીમે માતા-પુત્રીના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. માતા-પુત્રીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. માતા-પુત્રીના ડૂબી જવાથી મોત થયા હોવાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકી અકસ્માતે કુવામાં પડી જતા પુત્રીને બચાવવા પડેલી માતા પણ ડૂબી ગઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસે બનાવ અકસ્માત છે કે આપઘાતનો મામલો છે તે જાણવા ફોરેન્સિક રિપોર્ટના આધારે તપાસનો દોર લંબાવ્યો છે.
