Vadodara Demolition: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની (VMC) દબાણ શાખા દ્વારા શહેરના માર્ગોને ટ્રાફિક મુક્ત અને અવરજવર માટે અનુકૂળ બનાવવા માટે હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુ છે.
તંત્ર દ્વારા આજે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન કામગીરી કરવામાં આવી હતી, જેમાં એક તરફ દબાણો દૂર કરવામાં આવ્યા તો બીજી તરફ વેપારીઓ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો
માંજલપુર અને જંબુબેટમાં સપાટો
કોર્પોરેશનની ટીમે વોર્ડ નં. 18 અને વોર્ડ નં. 14માં આક્રમક કાર્યવાહી કરી હતી. માંજલપુરના અલવાનાકા વિસ્તારમાં રસ્તા પર નડતરરૂપ લારી-ગલ્લા અને અન્ય પરચુરણ સામાન સામે લાલ આંખ કરતા દબાણ શાખાએ બે ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો.
આ ઉપરાંત વોર્ડ નં. 14ના દાંડિયા બજાર નજીક જંબુબેટ વિસ્તારમાં લાંબા સમયથી રસ્તા પર લાવારિસ હાલતમાં પડેલી અને ટ્રાફિકમાં અડચણરૂપ બનતી એક ભંગાર મારુતિ વેનને પણ કોર્પોરેશન દ્વારા કબજે કરવામાં આવી હતી. તંત્રના જણાવ્યા અનુસાર, આવા બિનઉપયોગી વાહનો રસ્તા પર પડ્યા રહેવાથી અકસ્માતનું જોખમ રહે છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
બજારોમાં વેપારીઓનો વિરોધ અને હોબાળો
દબાણ હટાવવાની આ કાર્યવાહી દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં તંગદિલી પણ જોવા મળી હતી. ખંડેરાવ માર્કેટમાં ફૂલના પોટલા અને કેરેટ હટાવવા બાબતે વેપારીઓ અને મ્યુનિસિપલ કર્મચારીઓ વચ્ચે તીખી રકઝક થઈ હતી. વેપારીઓએ કાર્યવાહી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
આવી જ રીતે રેલવે સ્ટેશન નજીકના કડક બજારમાં પણ રસ્તા પર પાથરણાં અને શેડ હટાવવાની કામગીરી દરમિયાન પથારાધારકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. દબાણ શાખાની કામગીરીથી નારાજ કેટલાક વેપારીઓએ હોબાળો પણ મચાવ્યો હતો.
રસ્તાઓ ખુલ્લા થતાં રાહત
વેપારીઓના વિરોધ છતાં કોર્પોરેશનની ટીમે પોતાની કામગીરી ચાલુ રાખી હતી. અંતે, ખંડેરાવ માર્કેટ અને કડક બજાર વિસ્તારમાંથી દબાણો દૂર થતાં રસ્તાઓ ખુલ્લા થયા છે, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોએ અવરજવરમાં મોટી રાહત અનુભવી છે. કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે, ટ્રાફિકને નડતરરૂપ બનતા કોઈપણ દબાણ કે ભંગાર વાહનો સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ યથાવત રહેશે.
