Surendranagar: સુરેન્દ્રનગ જિલ્લાના દસાડામાં ગત મોડી રાતે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટ્રેલર અને રિક્ષા વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 3 મુસાફરોના મોત નીપજ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગઈકાલે મોડી રાતે દસાડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા એછવાડા ગામના બસ સ્ટેન્ડ નજીક એક ટ્રેલર અને રિક્ષા સામ-સામે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષાની અંદર ફસાઈ ગયેલા ડ્રાઈવર સહિતના બે મુસાફરો ચગદાઈ ગયા હતા. જેના કારણે તેઓ સ્થળ પર જ મોતને ભેટ્યા હતા.
બીજી તરફ અકસ્માતની જાણ થતાં દસાડા પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ કિરણ વાઢેર, બળદેવ ઠાકોર અને ભરત સિંધવ તરીકે થઈ છે, જેઓ પાટણ જિલ્લાના સમી તાલુકાના ટુવડ ગામના વતની હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
