Surendranagar Accident News: ગુજરાતમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પાટડી તાલુકાના નાવિયાણી ગામ નજીક અજાણ્યા વાહનચાલકે બાઈક પર સવાર ત્રણ યુવાનોને ટક્કર મારી ફંગોળી દેતા બે સગા ભાઈઓ સહિત ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાએ સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરાવી દીધી છે.
મૃતક યુવાનોની ઓળખ એરવાડા ગામના સંજય ભાથીભાઈ ઠાકોર, ટીનાભાઈ નરશીભાઈ દેવીપૂજક અને તેમના નાના ભાઈ મયુર નરશીભાઈ દેવીપૂજક તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, સંજય ઠાકોર બેચરાજીની એક કંપનીમાં કામ કરતો હતો અને તેણે ટીના તથા મયુરને દૈનિક 400 રૂપિયાના વેતન પર નોકરી અપાવી હતી. આ બંને ભાઈઓ માટે નવી નોકરીનો આજનો દિવસ પહેલો જ હતો, જ્યારે અગાઉ તેઓ જૂના કપડાં લે-વેચનો વ્યવસાય કરતા હતા.
આજે વહેલી સવારે તેઓ એરવાડાથી બેચરાજી જવા નોકરી પર નીકળ્યા હતા. નાવિયાણી ગામ પાસે પહોંચતા જ એક અજાણ્યા વાહને તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાવહ હતી કે બાઈક ફંગોળાઈ ગયું અને ત્રણેય યુવાનો રોડ પર પટકાતા માથા ધડથી અલગ થઇ ગયા અને શરીરના ટૂકડા થયા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની જાણ થતાં જ હાઈવે પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. સ્થાનિકોએ પોલીસ અને 108ને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. દસાડા પીઆઈ વી.જે. માલવિયાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ટ્રેલર દ્વારા ટક્કર મારવામાં આવી હોવાનું અનુમાન છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજુબાજુના સીસીટીવી ફૂટેજની મદદથી અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
