વડોદરામાં 2,400 કરોડની પ્રાઈમ જમીનનો વિવાદ ઉકેલાયો, હાઈકોર્ટના ચુકાદા બાદ મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ

ગુજરાત હાઈકોર્ટે આ મામલે ગાયકવાડ રાજપરિવારનો માલિકી હકનો દાવો ફગાવી દીધો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 19 Jul 2026 12:12 PM (IST)Updated: Sun, 19 Jul 2026 12:12 PM (IST)
vadodara-demolition-gujarat-high-court-verdict-in-yavteshwar-mahadev-temple-trust-land-dispute
Vadodara Demolition Drive

Vadodara Demolition Drive: વડોદરા જિલ્લામાં અંદાજે 2400 કરોડની બજાર કિંમત ધરાવતી 41 એકર પ્રાઈમ જમીન પર છેલ્લા 35 વર્ષથી ચાલતા ઐતિહાસિક જમીન વિવાદ આખરે ઉકેલાયો છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે ચુકાદો આપતા ગાયકવાડ રાજપરિવારનો માલિકી હકનો દાવો ફગાવી અને યવતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની માલિકીને કાયદેસરની માન્યતા આપી છે.

ત્રણ દાયકા જૂનો વિવાદ અને કોર્ટનો આદેશ

આ કિંમતી જમીન અંગેનો કાનૂની વિવાદ ત્રણ દાયકા કરતા વધુ સમયથી ચાલી રહ્યો હતો. અગાઉ નીચલી અદાલતે પણ મંદિર ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેની સામે ગાયકવાડ રાજપરિવારે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જોકે, જૂન મહિનામાં હાઈકોર્ટે અરજી ફગાવી દેતા નોંધ્યું કે, 1971 થી વિવિધ અદાલતોના ચુકાદામાં યવતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટને જ કાયદેસર માલિક માનવામાં આવ્યું છે. 

વડોદરા વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશન શરૂ

અગાઉ કોર્ટના 'સ્ટેટસ ક્વો' આદેશને કારણે વહીવટી તંત્ર કોઈ પગલાં લઈ શકતું નહોતું, પરંતુ હવે અંતિમ ચુકાદો આવતા અને તમામ કાનૂની અવરોધો દૂર થતા કાર્યવાહીનો માર્ગ મોકળો બન્યો છે. હાઈકોર્ટના ચુકાદા બાદ વડોદરા જિલ્લા વહીવટી તંત્રએ જમીન પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે વ્યાપક અને કડક ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરી છે. 

કલેક્ટર અનિલ ધામેલિયાના જણાવ્યા અનુસાર, 1995માં ટાઉન પ્લાનિંગ યોજના અમલમાં આવ્યા બાદ આ જમીનના ચાર સર્વે નંબરો પર કોઈ પણ પ્રકારની વિકાસ મંજૂરી આપવામાં આવી નહોતી.

રિસોર્ટ અને ક્રિકેટ ગ્રાઉન્ડ થયા જમીનદોસ્ત 

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી ડિમોલિશન ડ્રાઈવમાં અત્યાર સુધીમાં 55 થી વધુ વ્યાવસાયિક અને રહેણાંક બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. જેમાં 20 રૂમનો એક રિસોર્ટ, બે બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્વિમિંગ પૂલ, કાર શોરૂમ, ફેબ્રીકેશન શેડ, નિર્માણાધીન ફૂડ સ્ટોલ અને એક રાજકીય પક્ષની કચેરીનો પણ સમાવેશ થાય છે. બાકી રહેલા અન્ય દબાણો પણ તબક્કાવાર દૂર કરવામાં આવશે.

ઐતિહાસિક વારસાને પુનઃજીવિત કરવાનું આયોજન

આ જમીનનો સંપૂર્ણ કબજો મેળવી લીધા બાદ હવે તેના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વને પુનઃસ્થાપિત કરવા માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં આ જગ્યાએ પ્રાચીન વાવ, ઘાટ અને ઐતિહાસિક માળખાં અસ્તિત્વ ધરાવતા હતા. હવે ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી આ વારસાગત સ્થળોના વિકાસ માટે ભવ્ય માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે.

કાનૂની નિષ્ણાતો માને છે કે હાઇકોર્ટનો આ ચુકાદો ભવિષ્યમાં ખાનગી દાવેદારો અને ટ્રસ્ટ વચ્ચેના જમીન વિવાદોમાં એક મોટો ન્યાયિક દાખલો સાબિત થશે. આ કડક કાર્યવાહી રાજ્યભરમાં જાહેર અને ટ્રસ્ટની મિલકતોને સુરક્ષિત રાખવાના પ્રયાસોના ભાગરૂપે જોવામાં આવી રહી છે.