Vadodara Demolition: વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા સહકારનગર ખાતે તંત્ર દ્વારા કરવામાં આવેલા ડિમોલિશનને આજે આખા 9 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આમ છતાં પણ પીડિત પરિવારો હજુ સુધી પોતાના પાકા ઘરની આશામાં ભટકી રહ્યા છે.
ડિમોલિશન સમયે વહીવટી તંત્ર અને બિલ્ડર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે, જ્યાં સુધી અસરગ્રસ્તો માટે કાયમી આવાસ તૈયાર ન થાય ત્યાં સુધી તેમને દર મહિને નિયમિત ભાડું ચૂકવવામાં આવશે. જો કે આજે તંત્રની બેદરકારીના કારણે સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે.
આ પણ વાંચો
શરૂઆતના થોડા મહિના સુધી પીડિતોને નિયમિતપણે ભાડું મળતું રહ્યું હતું, પરંતુ સમય જતાં આ ચુકવણીમાં અનિયમિતતા શરૂ થઈ ગઈ હતી. હાલની પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, છેલ્લા 24 મહિનાથી એટલે કે પૂરા 2 વર્ષથી એકપણ પીડિત પરિવારને ભાડાની રકમ ચૂકવવામાં આવી નથી.
અસરગ્રસ્તોનો આક્ષેપ છે કે જે જમીન પ્રોજેક્ટ માટે બિલ્ડરને સોંપવાની હતી, તે પણ સમયસર સોંપી દેવામાં આવી છે. આમ છતાં બિલ્ડર અને તંત્ર દ્વારા ભાડું ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. આ આર્થિક કટોકટીના કારણે સેંકડો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ભારે માનસિક તેમજ આર્થિક હાલાકીનો સામનો કરી રહ્યા છે અને પોતાની સાથે સરેઆમ અન્યાય થતો હોવાનું અનુભવી રહ્યા છે.
આ ગંભીર મુદ્દે વિસ્તારના અગ્રણીઓ અને આગેવાનો મેદાને આવ્યા છે. તેઓએ પીડિતો વતી તંત્ર સમક્ષ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા માંગ કરી છે કે, છેલ્લા 24 મહિનાથી બાકી નીકળતું તમામ ભાડું તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે. આ સાથે જ પુનર્વસન હેઠળ બની રહેલા આવાસોનું કામ પણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી, પરિવારોને વહેલી તકે મકાનોની સોંપણી કરવામાં આવે જેથી તેઓ પોતાના ઘરમાં રહી શકે.

પીડિત પરિવારોએ પોતાનો રોષ ઠાલવતા જાણાવ્યું હતું કે અમારી કાયદેસરની જમીનો લઈ લીધા બાદ હવે વચન મુજબનું ભાડું પણ ન આપીને અમારી સાથે સરેઆમ અન્યાય અને માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે.
લાંબા સમયથી ભાડાના મકાનોમાં રહેવા મજબૂર બનેલા આ પરિવારોએ સરકાર, કોર્પોરેશન અને બિલ્ડરને તેમના આપેલા વચનોનું પાલન કરવા અને ન્યાય આપવા માટે ઉગ્ર માંગ કરી છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગેવાનો અને પીડિતો દ્વારા આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે તેવા એંધાણ મળી રહ્યા છે.
