Surat: સુરત જિલ્લા LCBએ કામરેજ પોલીસ મથકની હદમાં રહેણાંક મકાનમાં ધમધમતી ફ્રૂટ બિયરની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. જ્યાંથી 584 નંગ નોન આલ્કોહોલિક ફ્રૂટ બિયરની બોટલો સહિત કુલ રૂ.1.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
હકીકતમાં સુરત ગ્રામ્ય LCB પોલીસની ટીમે બાતમીના આધારે ધાતવા ગામના લીમડી ફળિયામાં રહેતા ધનાલાલ ગુર્જર (46)ના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી નોન આલ્કોહોલિક બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
આ બાબતે ફૂડ સેફ્ટી ઓફિસરને જાણ કરતા તેઓ પણ સ્થળ ઉપર આવી ગયા હતા અને તમામ નોન આલ્કોહોલિક ક્રુડબિયનના જથ્થામાંથી નમુના માટે સેમ્પલો લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
વધુમાં આ જગ્યાએ સોડા તથા નોન આલ્કોહોલિક એનર્જી ડ્રિંક 250 ml ની એક્સપાયરી ડેટ વાળી બોટલોનો જથ્થો પણ મળી આવ્યો હતો, જેનો ફૂડ સેફ્ટી અધિકારી દ્વારા સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં આરોપી પોતાના રહેણાંક મકાનની પાછળના ભાગે પતરાના શેડમાં નોન આલ્કોહોલિક ફ્રુટ બિયરનું મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવી નોન આલ્કોહોલિકનો જથ્થો તથા સોડા તથા નોન આલ્કોહોલિક એનર્જી ડ્રિંકનો જથ્થો ઉત્પાદન કરી પોતાના મકાનમાં સંતાડી રાખ્યો હતો તેના વિરોધમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ પોતે ભંગારમાંથી કાચની બીયરની બાટલીઓનો જથ્થો મેળવીને પોતાના ઘરના પાછળના ભાગે પતરાનો શેડ બનાવીને તેમાં સોડા તથા અન્ય કોલ્ડ્રીંક્સ બનાવવાની મશીનરી રાખી તે મશીનરીમાં ફ્રુટ બિયર ના સ્વીટનર તથા ફ્લેવર પાવડર ફોર્મમાં તથા લિક્વિડ ફોર્મમાં આ મશીનમાં ફીલિંગ કરી પીવાના પાણીનું મિશ્રણ તૈયાર કરી તેમાં CO2 (કાર્બન ડાયોક્સાઇડ) ગેસના બાટલો રાખી ગેસ પ્રેસરથી ઉમેરી બાટલીઓ ઉપર સીલ કરીને બાટલીઓ તૈયાર કરી તેના ઉપર લેબલિંગ કરી બોક્સ પેકિંગમાં વેચાણ કરતો હતો
આ ઘટનામાં પોલીસે 17,520 રૂપિયાની કિંમતની નોન આલ્કોહોલિક ફ્રુટ બિયરની 584 નંગ બાટલીઓ અને 97,500 રૂપિયાની કિંમતની નોન આલ્કોહોલિક ફ્રુટ બિયરનો જથ્થો બનાવવાની મશીનરી જપ્ત કરી છે તેમજ 63,360 રૂપિયાની કિંમતનો એક્સપાયર્ડ નોન આલ્કોહોલિક એનર્જી ડ્રિંક્સ તથા કાર્બોનેટેડ સોડાનો જથ્થો સ્થળ પર નાશ કર્યો છે.
