Vadodara: સાધલીમાં સરદાર@150 પદયાત્રામાં રાજનાથ સિંહ બોલ્યા- મોદી સરકારે સરદાર પટેલ પાસેથી પ્રેરણા લઈને 'જે કહીએ તે કરીએ'નું સુત્ર અપનાવ્યું

સરદાર વલ્લભભાઈ પટેલે એકવાર કહ્યું હતું કે હું નેતા નથી, હું સૈનિક છું. તેઓનું આખું જીવન એક સૈનિકની જેમ વીત્યું હતું : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 02 Dec 2025 11:14 PM (IST)Updated: Tue, 02 Dec 2025 11:14 PM (IST)
vadodara-news-defence-minister-address-in-rashtriya-ekta-padyatra-at-sadhali
HIGHLIGHTS
  • આજનું એકજૂટ અને મજબૂત ભારત સરદાર પટેલની દેન છે: ગુલાબચંદ કટારિયા

Vadodara: સરદાર પટેલની 150મી જન્મજયંતીના અવસર પર પ્રારંભ થયેલ કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા દરમિયાન સાધલી ખાતે યોજાયેલ સરદાર ગાથામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમજ પંજાબના ગવર્નર ગુલાબચંદ કટારિયા સહભાગી થયા હતા.

સાધલી ખાતે યોજાયેલી ‘સરદાર ગાથા’માં દેશના રક્ષામંત્રી રાજનાથસિંહે પ્રેરણાત્મક સંબોધન આપતા જણાવ્યું કે, એક રાજકીય વર્ગ ઈચ્છતો હતો કે સરદાર વલ્લભભાઈ પટેલ ઇતિહાસના પાનાંમાંથી ગાયબ થઈ જાય. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની વિરાસતને ઇતિહાસમાં તેજસ્વી રીતે સ્થાન અપાવ્યું છે. સરદાર પટેલે ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા અસાધારણ ભૂમિકા ભજવી હતી.

રક્ષામંત્રીએ કહ્યું કે, ભારતના રાજકારણમાં કથની અને કરની વચ્ચેનો અંતર નેતાઓ પ્રત્યે અવિશ્વાસ ઊભો કરતો રહે છે. જો કે વર્તમાન સરકારે સરદાર પટેલ પાસેથી પ્રેરણા લઈને ‘જે કહીએ તે કરીએ’નું સૂત્ર અપનાવ્યું છે.

સરદાર પટેલે દેશી રજવાડાઓનું વિલીનીકરણ, શાંતિ અને શૌર્યના સમન્વયથી રાષ્ટ્રનિર્માણનું અનોખું કાર્ય કર્યું હતું. તેમણે સ્વયં કહ્યું હતું કે “હું નેતા નથી, હું સૈનિક છું,” અને જીવનભર શિસ્ત, ફરજ અને દેશપ્રેમને સર્વોપરી રાખ્યા હતા.

રાજનાથસિંહે જણાવ્યું કે, બારડોલી સત્યાગ્રહ પછી મહિલાઓએ તેમને ‘સરદાર’નું બિરુદ આપ્યું હતું. તેઓ ખેડૂતોના દુઃખ-દર્દ માટે અત્યંત સંવેદનશીલ હતા અને માનતા હતા કે દેશનો ખેડૂત ખુશહાલ ન હોય ત્યાં સુધી ભારત સમૃદ્ધ બની શકતું નથી. વર્ષ 1931ના લાહોર અધિવેશનમાં ‘પૂર્ણ સ્વરાજ’ની વ્યાખ્યા સ્પષ્ટ કરવાનું મહત્વનું કાર્ય પણ સરદાર પટેલે કર્યું હતું.

રક્ષામંત્રીએ વધુમાં જણાવ્યું કે, સરદાર પટેલમાં કૌટિલ્યની કૂટનીતિ અને શિવાજીનું પરાક્રમ જોવા મળતું હતું, જે હૈદરાબાદના વિલયમાં સાબિત થયું હતું. જો કાશ્મીરના વિલય સમયે તેમની સલાહ માનવામાં આવી હોત તો ભારતીય ઉપખંડને દાયકાઓ સુધી ચાલેલી સમસ્યાનો સામનો ન કરવો પડ્યો હોત. આજે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશે કલમ 370 નાબૂદ કરીને કાશ્મીરને મુખ્ય પ્રવાહમાં જોડવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે અને ભારત હવે વિશ્વ સામે પોતાની શરતો પર વાત કરે છે.

તેમણે જણાવ્યું કે 2047 સુધી વિકસિત ભારતના નિર્માણ માટે દેશ સાંસ્કૃતિક, સામાજિક, આધ્યાત્મિક અને આર્થિક એકતાના સૂત્રમાં બાંધાઈ રહ્યો છે. સરદાર પટેલ તુષ્ટીકરણના વિરોધી હતા અને સોમનાથ મંદિરના પુનર્નિર્માણને સમર્થન આપ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિરનો નિર્માણ પણ જનસહભાગિતાથી થઈ રહ્યો છે, જે તેમની જ વિચારસરણીનું પ્રતિબિંબ છે.

આ કાર્યક્રમમાં રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.