Vadodara: ડભોઈ તાલુકાના 120 ગામોના ખેડૂતો માટે રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને થયેલા વ્યાપક નુકસાન બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાય પેકેજ અંતર્ગત ડભોઈ તાલુકામાં સહાય વિતરણની પ્રક્રિયા ઝડપી ગતિએ આગળ વધી રહી છે. ડભોઈ તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા કરાયેલા સર્વે અને ખેડૂતો દ્વારા ભરવામાં આવેલા અરજીઓના આધારે કરોડો રૂપિયાની સહાય રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી રહી છે.
મહત્વના આંકડાઓ પર નજર કરીએ તો, તાલુકામાં કુલ 19,876 ખેડૂતો દ્વારા સહાય માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ પૈકી અત્યાર સુધીમાં 17,605 ખેડૂતોને સહાયની રકમ ચૂકવવામાં આવી છે. સરકાર દ્વારા કુલ રૂપિયા 52,08,78,342 જેટલી રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે હજુ પણ 2,262 ખેડૂતોને સહાયની રકમ મળવાની બાકી છે, જેના કારણે કેટલાક ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
આ અંગે ડભોઈ તાલુકા ખેતીવાડી અધિકારી મહેશભાઈ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું કે, બાકી રહેલા ખેડૂતોની સહાય ટેકનિકલ કારણોસર અટકી છે. જેના મુખ્ય કારણોમાં બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક ન હોવું, જરૂરી દસ્તાવેજો અથવા પુરાવા અધૂરા હોવા, સોગંદનામું રજૂ ન કરવું, કેવાયસી પ્રક્રિયા બાકી હોવી તેમજ બેંક ખાતાની વિગતોમાં ખામી હોવી સામેલ છે. આ કારણોસર સહાયની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકતી નથી.
ખેતીવાડી અધિકારીએ બાકી રહેલા તમામ ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ તાત્કાલિક પોતાના ગામના ગામ સેવકનો સંપર્ક કરે. બાકી રહેલા દસ્તાવેજો, જરૂરી સોગંદનામા તથા બેંક ખાતાની સંપૂર્ણ વિગતો વહેલી તકે જમા કરાવે. આ સાથે સાથે પોતાના બેંક ખાતામાં આધાર કાર્ડ લિંક કરાવવાનું પણ અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું છે.
તેમણે ઉમેર્યું કે ગામ સેવક જ્યારે ગામમાં આવે ત્યારે ખેડૂતો તમામ પુરાવા અને દસ્તાવેજો સમયસર પૂરા પાડે, જેથી ટેકનિકલ અડચણો દૂર થઈ શકે અને બાકી રહેલા તમામ ખેડૂતોને પણ ટૂંક સમયમાં સહાયની રકમ મળી શકે. સરકારની આ સહાયથી કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોને મોટો આધાર મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
