Surat: સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ સુરત દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોટા વરાછા ખાતે રાજસ્વી સન્માન સમારોહ યોજાયો હતો.
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશને એકતાના તાંતણે બાંધનાર, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના આપણે સૌ વારસદાર છીએ. સરદાર સાહેબના લોખંડી મનોબળ અને દ્રઢ સંકલ્પ શક્તિમાંથી પ્રેરણા લઈ પટેલ સમાજે આગવી દેશવિદેશમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. એકતા અને સંગઠન પાટીદાર સમાજની સૌથી મોટી શક્તિ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ'ના મંત્રને પાટીદાર સમાજે આત્મસાત કર્યો છે અને 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ની સંકલ્પનાને સાકાર કરી સમાજની સંગઠન શક્તિનું સશક્ત ઉદાહરણ પૂરું પાડ્યું છે.
શિક્ષણ અને આધુનિકતાનો સ્વીકાર કરી અવિરત વિકાસ સાધવોએ પટેલ સમાજની વિશેષતા હોવાનું જણાવી તેમણે કહ્યું કે, મહેનત પાટીદાર સમાજના સ્વભાવમાં છે અને સાદગી, કરકસર તથા સ્વાવલંબનની ભાવનાથી સમાજ પગભર થયો છે, જેના પરિણામે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજની એકતા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનની પ્રશંસા કરતા વધુમાં કે, પટેલ સમાજ માત્ર એક સમુદાય નથી, પરંતુ પરિશ્રમ, પ્રમાણિકતા, સંઘર્ષ અને નેતૃત્વનું જીવંત પ્રતીક છે. ખેડૂત તરીકે જમીન સાથે જોડાયેલા સમાજે ખેતી, સિંચાઈ, જળ સંચય, જમીન સુધારણા અને આધુનિક ખેતી પદ્ધતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ઉદ્યોગ, શિક્ષણ, સહકાર, વેપાર અને રાષ્ટ્ર નિર્માણમાં પણ આ સમાજનું યોગદાન રહ્યું છે, જે આજે રાજ્ય અને દેશના વિકાસનો મજબૂત આધાર બન્યા છે એમ જણાવી તેમણે સુરત અને દક્ષિણ ગુજરાતે ડાયમંડ, ટેક્સટાઇલ, સ્ટાર્ટઅપ અને સ્માર્ટ સિટી તરીકેની જે ઓળખ મેળવી છે તેમાં પાટીદાર સમાજના પરિશ્રમ અને ઉદ્યોગશીલતાનો મોટો ફાળો હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુનેગારનો કોઈ સમાજ હોતો નથી, ગુનેગાર સમાજનો દુશ્મન હોય છે. ગુનેગાર સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કેવી રીતે કરવી તે ભૂપેન્દ્ર પટેલની સરકાર સારી રીતે જાણે છે.
રાજ્ય સહિત સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, પોરબંદર, જામનગર સહિતના જિલ્લાઓના ગામડાઓના સામાન્ય માણસો વ્યાજખોરોના ચક્કરમાંથી બચાવવા રાજ્ય સરકારે વ્યાજખોરો સામે શરૂ કરેલી કાર્યવાહીના કારણે વ્યાજખોરોને બચવા માટે જમીન પણ નસીબ નથી થઈ.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્યમાં દિવાળી પર્વ દરમિયાન આવેલા અચાનક કમોસમી વરસાદથી રાજ્યના લાખો ખેડૂતોને નુકસાન થતાં રૂ. 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું અને મુખ્યમંત્રીએ પેકેજ સહાયના વિતરણની જવાબદારી સંભાળી અને રૂ. 8,700 કરોડની ચૂકવણી ઝડપી રીતે ખેડૂતોના ખાતામાં પહોંચાડી. દેશના ઇતિહાસમાં ઝડપી સર્વે પૂર્ણ કરી સીધા ખેડૂતોના બેંક ખાતામાં સહાય પહોંચાડવાનું કાર્ય વર્તમાન સરકારે કરી બતાવ્યું છે.
તેમણે જણાવ્યું કે હીરા ઉદ્યોગમાં મંદી આવતાં રત્ન કલાકારોના બાળકોના અભ્યાસ પર અસર ન પડે તે માટે દેશમાં પહેલીવાર વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું. હજારો રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ-કોલેજની ફી સીધી સરકાર દ્વારા ભરવામાં આવી. પોતાનો મુદ્દામાલ પરત મેળવવા ફરિયાદીઓએ હવે વર્ષો સુધી કોર્ટમાં ધક્કા ખાવાની સ્થિતિ રહી નથી. ‘તેરા તુજ કો અર્પણ’ જેવી વ્યવસ્થાથી રાજ્ય પોલીસ દ્વારા કરોડોની મરણમૂડી, મુદ્દામાલ ઝડપથી મૂળ માલિકોને પરત અપાવવામાં આવી રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ પાટીદાર આગેવાનો રાજ્ય અને દેશના વિકાસ માટે કટિબદ્ધ છે અને દેશના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હોવાનું પણ ઉમેર્યું હતું.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, જળસંચયને જનભાગીદારી સાથે જનઆંદોલનમાં ફેરવવામાં સમગ્ર દેશે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે. માત્ર 10 મહિનામાં અંદાજે ૩૫ લાખ જેટલા જળ સંચયના સ્ટ્રક્ચર બન્યા છે અને તેમાં સરકાર તરફથી એક પણ રૂપિયો ખર્ચાયો નથી, સમગ્ર કાર્ય લોકસહભાગિતાથી થયું છે. જળસંચયના ગુજરાત મોડલને આખા દેશે સ્વીકાર્યું છે, અને તેમાં સૌથી વધુ કામો બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં થયું છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સરદાર પટેલના વિચારોને અનુસરી ગુજરાત ક્યારેય માંગવા માટે હાથ લંબાવતું નથી, પરંતુ આપવા માટે જ હાથ લંબાવે છે. પાટીદાર સમાજ પણ માત્ર સમાજને આપવા માટે જ હાથ આગળ કરે છે. જળસંચયના કાર્યમાં પણ કોઈ પાસે હાથ લંબાવ્યા વગર જે કાર્ય થયું છે તેમાં પાટીદાર અગ્રણીઓના અમૂલ્ય યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર, રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે, સરદાર સાહેબ આપણી ભાતીગળ વિરાસતના પ્રેરક અને પ્રતીક છે. નવી પેઢીએ તેમના જીવનમાંથી સતત પ્રેરણા લેતા રહેવું જોઈએ. સરદાર સાહેબના વિચારો અને જીવનચરિત્રમાંથી માર્ગદર્શન લઈ સમાજસેવામાં સતત આગળ વધવું એ આપણી જવાબદારી છે.
તેમણે કહ્યું કે, પાટીદાર સમાજ પોતાની કદર કરનાર લોકો પ્રત્યે હંમેશા સમર્પણભાવ વ્યક્ત કરતો રહ્યો છે. સામાજિક જવાબદારીને વરેલો આ સમાજ હંમેશા આપનાર રહ્યો છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરદાર સાહેબના આદર્શો, રાષ્ટ્રભાવના અને સમાજ પ્રત્યેની જવાબદારીને આગળ વધારવી એ સૌની સામૂહિક ફરજ છે અને આ માર્ગે આગળ વધતાં જ ગુજરાત અને દેશ વધુ મજબૂત બનશે.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પાટીદાર રત્નોએ શહેરોમાં કઠિન પરિશ્રમ કરીને સૌરાષ્ટ્રના ગામડાઓને આર્થિક રીતે સદ્ધર કર્યા છે. સૌરાષ્ટ્રના ગામડાઓ ભાજપા સરકારના સુશાસનના કારણે બેઠા થયા છે. ૧૦૦ જેટલી પાટીદાર સમાજ સાથે સંકળાયેલી સંસ્થાઓએ સામાજિક પરિવર્તન અને દિશાસૂચક નવતર પહેલો કરીને લોકોની સુખાકારીનો માર્ગ કંડાર્યો છે.
રાજકીય અને સામાજિક અગ્રણીઓનું સન્માન એ માત્ર ઔપચારિક સન્માન નહીં, પણ સમાજ પ્રત્યેની જવાબદારી પ્રત્યે સચેત કરવાનું માધ્યમ પણ છે, ત્યારે સરદાર સાહેબના સિદ્ધાંતોને અનુસરી રાજ્ય સરકાર સકારાત્મક રાજનીતિને વળગી રહેશે અને રાજ્યના એક એક નાગરિક સુધી વિકાસ અને સુવિધાઓની પહોંચ સુનિશ્ચિત કરશે એમ શ્રી વાઘાણીએ ગર્વથી જણાવ્યું હતું.
કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, સમાજના અનેક યુવાઓ ગામડાઓમાં રહેતા વયોવૃદ્ધ વડીલોના આશીર્વાદ અને સંસ્કારપૂર્ણ ઉછેરથી દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છે.
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સરદાર સાહેબે દરેક સમાજને એકજૂથ કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. સરકાર અને સમાજ દ્વારા સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે જે જવાબદારી સોંપવામાં આવી છે તેને સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવવાનો આશાવાદ વ્યક્ત કરી વ્યસનના દૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા મંત્રીશ્રી વેકરીયાએ કહ્યું કે, સરદાર સાહેબે પણ દેશ માટે નિર્વ્યસની બન્યા હતા. વ્યસન છોડવાથી આર્થિક સાથે શારીરિક રીતે પણ લાભ છે. આજના આધુનિક યુગમાં ફેશન અને દેખાદેખીમાં આપણે આપણી મૂળ સંસ્કૃતિ ભૂલવી જોઈએ નહીં.
આ પ્રસંગે રાજ્ય મહિલા મોરચા સંગઠન અધ્યક્ષ અંજુબેન વેકરિયા, ધારાસભ્યઓ, અગ્રણીઓ પ્રશાંત કોરાટ, કાનજીભાઈ ભાલાળા, મુકેશભાઈ ખેની, વી.એસ.લખાણી, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં પાટીદાર નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. લેઉઆ પાટીદાર સમિતિના અધ્યક્ષ વેલજીભાઈ શેટાએ સ્વાગત પ્રવચન કરી સમારોહની રૂપરેખા આપી હતી.
કાર્યક્રમનો શુભારંભ સમાજસેવક અને વિશ્વ શંખનાદ અભિયાનના પ્રણેતા પ્રકાશકુમાર વેકરિયાના ગગનભેદી શંખનાદ સાથે થયો હતો.
સન્માન સમારોહ અંતર્ગત લોકસાહિત્યના સંગાથે આયોજિત ભવ્ય ડાયરામાં પ્રખ્યાત કલાકારો કિર્તીદાન ગઢવી, જીગ્નેશ બારોટ, ઉર્વશી રાદડીયા, સુખદેવ ધામેલીયા, ઘનશ્યામ લાઠીયા અને હનુભા ગઢવીએ પોતાની આગવી શૈલીમાં લોકસાહિત્ય, લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
