વડોદરામાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ભૂકંપઃ નૈતિક જવાબદારી સ્વીકારી જિલ્લા પ્રમુખે પદ પરથી રાજીનામું આપી દીધુ

વડોદરા મનપા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. ડભોઈને બાદ કરતાં કોંગ્રેસનું પ્રદર્શન સાવ કંગાળ, જ્યારે મનપામાં ભાજપે 76માંથી 69 બેઠકો મેળવી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 29 Apr 2026 06:21 PM (IST)Updated: Wed, 29 Apr 2026 06:21 PM (IST)
vadodara-news-congress-chief-jashpalsinh-padhiyar-resigns-after-crushing-election-defeat
HIGHLIGHTS
  • જશપાલસિંહ પઢીયારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું મોકલ્યું

Vadodara: તાજેતરમાં યોજાયેલી વડોદરા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોએ રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. જેમાં ભાજપે ફરી એકવાર વડોદરાને પોતાનો અજેય ગઢ સાબિત કરીને પ્રચંડ વિજય મેળવ્યો છે.

બીજી તરફ મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસનો કારમો પરાજય થતા પક્ષમાં આંતરિક વલોપાત શરૂ થયો છે. આ હારના પડઘા રૂપે વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

ભાજપનો કેસરીયો, કોંગ્રેસના ગઢ ધરાશાયી

વડોદરા મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત તમામ સ્તરે ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ખાસ કરીને વડોદરા મનપામાં ભાજપે 76માંથી 69 બેઠકો કબજે કરીને વિપક્ષને સદંતર હાંસિયામાં ધકેલી દીધો છે. સમગ્ર જિલ્લામાં માત્ર ડભોઈ નગરપાલિકાને બાદ કરતાં અન્ય તમામ પાલિકાઓ અને પંચાયતોમાં કોંગ્રેસનો દેખાવ સાવ કંગાળ રહ્યો છે.

નૈતિકતાના આધારે રાજીનામું

પક્ષના નબળા દેખાવ અને સંગઠનની નિષ્ફળતાને પગલે જશપાલસિંહ પઢિયારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને પોતાનું રાજીનામું સોંપ્યું છે.

તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, 2026ની આ ચૂંટણીમાં પક્ષને અપેક્ષા કરતા વિપરીત અને ખૂબ મોટા માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો છે. જિલ્લા પ્રમુખ તરીકે સંગઠનના આ નબળા દેખાવની સંપૂર્ણ નૈતિક જવાબદારી હું સ્વીકારું છું.

સંગઠનમાં મોટા ફેરફારોના સંકેત

જશપાલસિંહ પઢિયારની ગણના વડોદરા જિલ્લાના પ્રભાવી નેતાઓમાં થાય છે અને તેઓ અગાઉ ધારાસભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. જોકે, જનતાનો વિશ્વાસ જીતવામાં સંગઠન નિષ્ફળ રહેતા હવે કોંગ્રેસ હાઈકમાન્ડ હરકતમાં આવ્યું છે.

રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, આ રાજીનામું એ માત્ર શરૂઆત છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વડોદરામાં નવા ચહેરાઓ, નવી રણનીતિ અને આક્રમક તેવર સાથે સંગઠનનું પુનર્ગઠન કરવા તરફ આગળ વધશે.