Mehsana: અલ્પેશ ઠાકોરની સમાજને દેખાડાના રોગમાંથી બહાર આવવા હાકલ, કહ્યું- 'વીઘો ઓછો કરીને વટ થોડો પડાય'

લગ્ન માટે જમીનો વેચીને વ્યાજના રૂપિયા લઈને દીકરાને ધામધૂમથી પરણાવ્યો હોય અને એક વર્ષ બાદ તેના ખિસ્સામાં બે હજાર રૂપિયા ના હોય, તો તમને માફ નહીં કરે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 29 Apr 2026 05:58 PM (IST)Updated: Wed, 29 Apr 2026 05:58 PM (IST)
mehsana-news-alpesh-thakors-strong-message-against-wasteful-wedding-expenses-in-visnagar
HIGHLIGHTS
  • વિસનગરમાં આયોજિત ઠાકોર સમાજના સમુહલગ્નમાં અલ્પેશ ઠાકોરની જાહેર મંચ પરથી ટકોર

Mehsana: મહેસાણા જિલ્લાના વિસનગરમાં ઠાકોર સમાજના ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઉપસ્થિત રહેલ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જાહેર મંચ ઉપરથી સમાજમાં દેખાડા માટે કરવામાં આવતા ખોટા ખર્ચાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ સમાજને બિનજરૂરી ખર્ચાઓ અને દેખાડામાંથી બહાર નીકળવા માટે ટકોર કરી હતી.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ઘણાં લોકો કહેતા સાંભળ્યા છે કે, આજે તો મારે દેખાડી દેવું છે. એવો પ્રસંગ કરવો છે કે લોકો જોતા જ રહી જાય. આવા લોકોને મારે એક જ પ્રશ્ન પૂછવો છે કે, તમારે કોને બતાવવું છે?

તમે કોને બતાવવા માંગો છો?

જે લોકો પૈસેટકે સમૃદ્ધ છે, ફેક્ટરીઓના માલિક, ડોક્ટર કે અધિકારીઓ છે, તેમની પાસે તો તમે દેખાડવા માંગો છો, તે જોવાનો સહેજ પણ સમય નથી. બીજા એવા લોકો છે, જેમને એટલા દુઃખ છે કે, તેઓ તેમાથી બહાર જ નથી આવતા. બાકી બચ્યો મધ્યમ વર્ગ, જે એકબીજાને બતાવવામાં ક્યારેય ગરીબ થઈ જાય છે, તેની તેમને પણ ખબર નથી રહેતી.

હવે કોઈ સમૃદ્ધ લોકોએ વટ માર્યો તો આપણે પણ એકાદ-બે વીઘા ઓછા કરીને પણ મારે પણ બતાવી જ દેવું છે. આમ વીઘા ઓછા કરીને કે વ્યાજે પૈસા લઈને વટ થોડો પડાય. દાગીના વેચીને પ્રસંગો કેવી રીતે કરાય?

જ્યારે ખિસ્સામાં 2 હજાર નહીં હોય, ત્યારે દીકરો તમને માફ નહીં કરે

આપણે લગ્ન માટે જમીન જાગીર વેચી હોય અને વ્યાજના રૂપિયા વડે લાખો-કરોડો રૂપિયા ખર્ચીને દીકરાને હાથીની પાલખીમાં બેસાડીને પરણાવ્યો હોય. જો કે લગ્નના એક વર્ષ બાદ એજ દીકરાના ખિસ્સામાં બે હજાર રૂપિયા પણ ના હોય, તો તે તમને ક્યારેય માફ નહી કરે. આથી મારી આપ સૌને વિનંતી છે કે, ખોટા ખર્ચા અને દેખાડામાંથી બહાર નીકળો.