Vadodara: સિટી બસના ડ્રાઈવરને ખેંચ આવતા અકસ્માત, બેકાબુ બનેલી બસ ધડાકાભેર ઝાડ સાથે ભટકાઈ; મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

ઝાડ સાથે ટક્કર બાદ ડ્રાઈવર સ્ટીયરિંગમાં ફસાઈ ગયો. ફાયર બ્રિગેડની ટીમે કટર મશીનથી દરવાજો કાપીને ડ્રાઈવરને બહાર કાઢ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 17 Jan 2026 09:50 PM (IST)Updated: Sat, 17 Jan 2026 09:50 PM (IST)
vadodara-news-city-bus-collied-with-tree-at-sayajigunj-driver-injured
HIGHLIGHTS
  • ઈજાગ્રસ્ત ડ્રાઈવરને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

Vadodara: વડોદરા શહેરમાં નમતી સાંજે એક મોટી દુર્ઘટના સર્જાતી ટળી હતી. સયાજીગંજ વિસ્તારમાં વડોદરા સ્ટેશનથી નીકળેલી સર્ક્યુલર સિટી બસ અચાનક અકસ્માતનો ભોગ બની હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બસ ચાલકને અચાનક ખેંચ આવતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બેકાબુ બનેલી બસ યુનિવર્સિટી બહાર આવેલા એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. જેવી બસ ઝાડ સાથે ભટકાઈ તે સાથે જ ડ્રાઈવર ધર્મેન્દ્ર ઝાલા સ્ટીયરિંગની નીચે ફસાઈ ગયો હતો.

આ બનાવને પગલે આસપાસના લોકો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. પ્રાથમિક રીતે વિદ્યાર્થીઓએ ચાલકને બહાર કાઢવા પ્રયાસો કર્યા હતા, પરંતુ તે સ્ટેરીંગમાં ફસાયેલો હોવાથી બહાર કાઢવો મુશ્કેલ બન્યો હતો.

આખરે જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને કટર મશીનની મદદથી ડ્રાઇવર સાઈડનો દરવાજો કાપી ચાલકને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

ઇર્જાગ્રસ્ત બસ ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનશીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહોતી અને બસમાં સવાર લગભગ 10 જેટલા મુસાફરો પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા. મુસાફરોને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી, જેને લઈ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ અંગે બસના કંડકટર શૈલેષ બામણીયાએ જણાવ્યું હતું કે, “ડેરી ડેન પાસે ડ્રાઇવર સાઈડનો ગ્લાસ અચાનક ભટકાયો હતો. મેં તરત જ બ્રેક મારવાની વાત કરી હતી, પરંતુ ચાલકને ખેંચ આવી હોવાથી તેને કઈ ખબર પડી રહી નહોતી અને બસ ઝાડ સાથે અથડાઈ ગઈ હતી.

આ ઘટનાને પગલે થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર અસરગ્રસ્ત બન્યો હતો. પોલીસ અને ટ્રાફિક વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. મોટી જાનહાની ટળતાં તંત્ર તેમજ સ્થાનિક લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.