Rajkot: ઓનલાઇન ગેમિંગને કારણે આજનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે.તેમજ ગેમિંગમાં મોટી માત્રામાં નાણાં હારી જતા આપઘાતના બનાવ પણ બની રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં ઓનલાઈન ગેમિંગને કારણે યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા ની ઘટના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં નોંધાઇ છે.
આ ઘટનામાં યુવાન પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં પોતે ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી જતા આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું.જો કે હાલ પોલીસે તેમના મોબાઈલની કોલ ડીટેઇલના આધારે તપાસ શરૂ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સહકારી સોસાયટીમાં રહેતા રેનીસ જેન્તીભાઈ કોરાટ(ઉ.34)નામના યુવાને પોતાના ઘરે ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પોતે છેલ્લા ઘણા સમયથી કાંઈ કામ કરતો નહોતો અને તેમને સંતાનમાં એક દીકરી છે. ગઈકાલે પરિવારજનો બહાર ગયા હતા ત્યારે રેનીસે ગળેફાંસો ખાઈ લીધો હતો.આ અંગે હેડ કોન્સ્ટેબલ તોરલબેન જોશી તપાસ ચલાવી રહ્યા છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં મૃતક રેનિસભાઈ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તે ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી ગયો હતો, ત્યારે તેનું દેણું પરિવારજનોએ ભર્યું હતું. જો કે પોતે કાંઈ કરી ન શક્યો. દીકરી અને પત્નીનું ધ્યાન રાખજો. પોલીસ કોઈને હેરાન ના કરે.આ ચિઠ્ઠીને આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
